Monday, May 18, 2026

રૂપ રૂપનો અંબાર હર્ષિદા 1.66 કરોડના દાગીના ચોરીને પ્રેમી સાથે ભાગી, બાથરૂમમાં જતાં જ થઈ ગયો કાંડ!

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ 'દર્શનભાઈ આભૂષણ' નામનો સોના-ચાંદીનો જ્વેલર્સ શો રૂમ ચલાવે છે. તેમના શો રૂમમાં કૂલ 19 લોકોનો સ્ટાફ કામ કરે છે, જેમાં છેલ્લા 11 મહિનાથી હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હતી.

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં આવેલા એક મોટા મોલમાં દર્શનભાઈનો ‘દર્શનભાઈ આભૂષણ’ નામનો સોના-ચાંદીનો એક સરસ શો રૂમ છે. દુકાનમાં મેનેજરથી લઈને સેલ્સમેન સુધી 18 લોકોનો સ્ટાફ કામ કરે. આ સ્ટાફમાં છેલ્લા 11 મહિનાથી હર્ષિદા શેટ્ટી નામની એક યુવતી સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હતી. હર્ષિદા સ્વભાવે હોશિયાર હતી, એટલે શેઠને તેના પર બહુ વિશ્વાસ હતો. ધંધાના કોઈ કામ માટે બહાર જવાનું હોય તો શેઠ હર્ષિદાને જ મોકલતા.

પણ કોઈને ખબર નહોતી કે આ વિશ્વાસ પાછળ એક મોટું તોફાન આવી રહ્યું છે. 11 મે 2026ના રોજ સાંજે શેઠ જ્યારે દુકાને આવ્યા, ત્યારે એક ગ્રાહક ખરીદી કરતો હતો. એ સમયે બીજા એક કર્મચારી કાનજીભાઈનું ધ્યાન ગયું કે સોનાના દાગીનાની ટ્રેમાંથી એક લકી ઓછી છે. તેમણે આજુબાજુ જોયું તો હર્ષિદા ગાયબ હતી. સ્ટાફે કહ્યું કે હર્ષિદા તો એમ કહીને નીકળી ગઈ કે, “મેં શેઠ પાસે રજા લઈ લીધી છે અને મારે ઈમરજન્સી કામ છે.” પણ શેઠે તો કોઈ રજા આપી જ નહોતી!

CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય

શેઠને તરત જ કંઈક ગડબડ હોવાની શંકા ગઈ. તેમણે તરત જ દુકાનના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કર્યા. કેમેરામાં જે દેખાયું તે જોઈને શેઠના હોશ ઊડી ગયા. હર્ષિદા સાંજે 4 થી 4:30 વાગ્યાની વચ્ચે કબાટમાંથી ચૂપચાપ સોનાના દાગીના કાઢીને પોતાના ખિસ્સામાં સરકાવી રહી હતી. એટલું જ નહીં, એ પછી તે ઉપરના માળે સ્ટોર રૂમમાં ગઈ અને પોતાની બેગ લઈને કાયમ માટે ગાયબ થઈ ગઈ.

શેઠે તેને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવ્યો. જ્યારે દુકાનમાં દાગીનાની ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે હર્ષિદા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર અને વીંટીઓ મળીને કૂલ 1.66 કરોડ રૂપિયાના દાગીના ચોરીને ભાગી ગઈ હતી. શેઠે તરત જ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પરિણીત પ્રેમી અને સેટલ થવાના સપના

હવે સવાલ એ હતો કે હર્ષિદાએ આવડું મોટું પગલું કેમ ભર્યું? હર્ષિદાના અગાઉ લગ્ન થયા હતા પણ તેના છૂટાછેડા થઈ ગયા હતા, એટલે તે એકલી રહેતી હતી. આ દરમિયાન 6 મહિના પહેલા તેની મુલાકાત એક યુવક સાથે થઈ. આ યુવક પરિણીત હતો અને તેને બાળકો પણ હતા, છતાં હર્ષિદા તેના પ્રેમમાં પડી ગઈ. છેલ્લા ચાર મહિનાથી બંને વચ્ચે અફેર ચાલતું હતું.

પ્રેમીએ હર્ષિદાને લાલચ આપી કે, “જો આપણી પાસે બહુ બધા પૈસા આવી જાય, તો આપણે ક્યાંક દૂર ભાગી જઈએ અને સાથે રહીને નવી જિંદગી સેટલ કરીએ.” વર્ષોથી એકલતા ભોગવતી હર્ષિદા આ વાતોમાં આવીને ભાવુક થઈ ગઈ. પ્રેમી સાથે નવી દુનિયા વસાવવાના અંધ પ્રેમમાં તેણે પોતાના જ શેઠની દુકાનમાં કરોડોની ચોરીનો પ્લાન બનાવી નાખ્યો.

ન્હાવા ગઈ ને નસીબ ફૂટ્યું!

ચોરી કર્યા પછી હર્ષિદા અને તેનો બોયફ્રેન્ડ દાગીના ભરેલી બેગ લઈને ઉત્તર ભારતના અલગ-અલગ રાજ્યોમાં ભાગતા ફરતા હતા. બંને હોટેલોમાં સાથે રોકાતા અને જિંદગીના સપના જોતા હતા. પણ હર્ષિદાને ક્યાં ખબર હતી કે જેની માટે તેણે આખી જિંદગી દાવ પર લગાવી દીધી, એ જ તેને દગો આપવાનો છે!

એક દિવસ બંને એક હોટેલમાં રોકાયા હતા. હર્ષિદા રૂમના બાથરૂમમાં ન્હાવા માટે ગઈ. આ જ તકનો લાભ લઈને તેના દગાબાજ બોયફ્રેન્ડે પોતાનો અસલી રંગ બતાવ્યો. તેણે બેગમાંથી મોટાભાગના કરોડોના દાગીના કાઢી લીધા અને હર્ષિદા માટે માત્ર 18 લાખના દાગીના છોડીને આખી બેગ લઈને ત્યાંથી રફુચક્કર થઈ ગયો. હર્ષિદા જ્યારે બહાર આવી ત્યારે બોયફ્રેન્ડ ગાયબ હતો. તેણે ફોન કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ પ્રેમી તો કરોડો રૂપિયા લઈને ક્યારનોય ભાગી ચૂક્યો હતો. હર્ષિદાને પોતાની જિંદગીનો સૌથી મોટો ધ્રાસકો લાગ્યો.

માણેકચોકથી ઝડપાઈ

હવે હર્ષિદા પાસે ન તો પ્રેમ બચ્યો હતો ન તો પૂરા પૈસા. છેવટે લાચાર બનેલી હર્ષિદા પોતાની પાસે બચેલા 18 લાખના દાગીના વેચવા માટે અમદાવાદના ફેમસ માણેકચોક બજારમાં આવી. પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ વાતની અગાઉથી જ બાતમી મળી ગઈ હતી. હર્ષિદા હજુ દાગીના વેચે તે પહેલા જ પોલીસે તેને ઘેરી લીધી અને પકડી પાડી.

પોલીસ સ્ટેશન લાવીને જ્યારે તેની આકરી પૂછપરછ કરવામાં આવી, ત્યારે હર્ષિદાએ રડતા-રડતા પોતાની આખી પ્રેમ કહાની અને દગાની વાત પોલીસને કહી દીધી. હર્ષિદાની ધરપકડ કર્યા પછી પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી અને તેના એ દગાબાજ બોયફ્રેન્ડને પણ શોધી કાઢીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. પોલીસે બંને પાસેથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img