મોરબી: વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ ખાતે આવનાર 21મી જાન્યુઆરીને સોમવારથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 64 અને વોલીબોલની 200થી વધુ ટીમ ભાગ લેશે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 20થી વધુ દિવસ ચાલનારા વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે સમાપન સમારોહનું આયોજન કરાયુ છે. જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર જ્યાં નિર્માણ થઈ રહ્યું છે તે વિશ્વઉમિયાધામ પરિષરમાં જ હજારો પાટીદાર ખેલાડીઓ રમશે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો,ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે.
રમતોથી યુવાનોમાં સંગઠન શક્તિનું નિર્માણ થશેઃ આર.પી પટેલ
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગ અંગે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે આ રમતોત્સવથી યુવાનોમાં સંગઠન શક્તિનું નિર્માણ થશે. રમત માત્ર આનંદ માટે જ નથી સંગઠન શક્તિ અને ખેલદીલી વધારવા માટે હોય છે. આ વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગ યુવાનોને નવી જ દિશા ચીંધશે.
