મોરબીમાં સીટી ઇન્ચાર્જ મામલતદારે દરોડા પાડી કરીયાણાની દુકાનમાંથી રૂ. 4.50 લાખનો અનાજ ચોખાનો જથ્થો જપ્ત કર્યો
મોરબી: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગરીબોને સસ્તામાં અનાજ, ચોખા સહિતનો જથ્થો પુરો પાડવામાં આવે છે જો કે આ જથ્થો કાળા બજારમાં વેચી રોકડી કરી રહ્યાં હોવાનૉ સામે આવે છે ત્યારે ગઈકાલે ઇન્ચાર્જ સીટી મામલતદાર એન એચ મેહતાને બાતમી મળી હતી કે મોરબીના શનાળા રોડ પર મોમ્સ હોટલ પાછળ આવેલ એક કરીયાણાની દુકાનમાં કાળા બજારમાં ધકેલાયેલ ઘઉં ચોખાનો જબરો જથ્થો છુપાવવામાં આવેલ છે. જે બાદ ઇન્ચાર્જ સીટી મામલતદાર નિખિલ મહેતા અને તેની ટીમે શનિવારે મોડીરાત્રીના સમયે બાતમીના આધારે મોરબી બાયપાસ રોડ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યાં મહાકાળી પ્રોવિઝન નામની દુકાન ધરાવતા રમેશ રવજી કંઝારીયા નામના વ્યક્તિની કરીયાણાની દુકાન પર સ્થળ ઉપર દરોડા પાડયા હતા.
આ તપાસ દરમિયાન 5214 કિલો ઘઉં અને 3780 કિલોગ્રામ ચોખાનો જથ્થો મળી કુલ રૂ 4.50 લાખની અંદાજીત કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. જેનુ બિલ માગતા તેમની પાસે તેનુ કોઈ બિલ ન હોય અને આ જથ્થો ફેરીયા પાસેથી લીધેલ હોવાની કબૂલાત કરી હતી.
આ ઘઉં અને ચોખાનો જથ્થો પ્રથમ દ્રષ્ટિએ જ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હોય તેવુ માલુમ પડતા ઇન્ચાર્જ સીટી મામલતદાર નિખિલ મહેતા દ્વારા આ તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તથા વેપારી રમેશભાઈ કંઝારીયા વિરુદ્ધ પુરવઠા વિભાગમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરાશે તેવુ ઇન્ચાર્જ સીટી મામલતદાર નિખિલ મહેતા એ જણાવ્યું હતું.