એસટી વિભાગના કર્મચારીઓ પડતર માગોને લઈ ફરી મેદાને: ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે
મોરબી: ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને તા ૧૬-૦૯-૨૦૨૨ થી આંદોલન કાર્યક્રમોની શરૂઆત કરશે. એસટી નિગમના મુખ્ય ત્રણ કર્મચારી સંગઠનો એટલે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ તથા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ તરફથી પોતાની પડતર માંગણીઓને લઇને આગામી દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ નોંધાવશે. તેમણે માસ સીએલ પર જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
આંદોલન કાર્યક્રમમાં તા. ૧૬ – ૦૯ -૨૦૨૨ ના રોજ નિગમના તમામ કર્મચારીઓ રાજયના મુખ્યમંત્રી તથા કેન્દ્ર કક્ષાના તેમજ રાજ્ય કક્ષાના વાહનવ્યવહાર મંત્રીને ટેક્ષ મેસેજ, ટવીટર ઉપર તેમજ સ્ટેટસ રાખી પોતાની કાયદેસરની માંગણીઓ રજુ કરશે.
તેમજ તા.૧૭ સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર સુધી નિગમના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી પોતાની ફરજો બજાવશે અને રીશેષ સમય દરમ્યાન પોતાના ફરજના સ્થળે એટલે કે મ.કચેરી/મ,મંત્રાલય/વિ.કચેરીઓ/વિ.વર્કશોપ/ડેપો ડેપો વર્કશોપ ખાતે નિગમની પ્રિમાઈસીસની બહાર રહી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે.
જ્યારે તા.૨૧ અને ૨૨ સપ્ટેમ્બર (દિવસ–૨) દરમ્યાન નિગમના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે. અને તા. ૨૨- ૦૯- ૨૦૨૨ની મધ્યરાત્રીના ૦૦ – ૦૦ કલાકથી એટલે કે તા. ૨૩- ૯- ૨૦૨૨ને શુક્રવારના રોજથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સીલ ઉપર ઉતરશે.