મોરબી એસટી ડેપોના કર્મચારીઓએ પડતર પ્રશ્નોને પગલે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
મોરબી: રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓ પડતર માંગોને પગલે સરકાર સામે વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યા હોય ત્યારે આજે મોરબી એસટી વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ જો પડતર પ્રશ્નોનું નિવારણ નહીં થાય તો આગામી દિવસોમાં માસ સીએલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
આજે આંદોલન કાર્યક્રમ મુજબ મોરબી એસટી સંકલન સમિતિ અને એસટી કર્મચારીઓ તથા ગુજરાત એસ ટી વર્કસ ફેડરેશન, ગુજરાત એસટી કર્મચારી મહામંડળ, ગુજરાત એસ ટી મજદુર મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોનોની માંગના નિરાકરણ માટે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે કાળી પટ્ટી બાંધી ”નિગમ બચાવ કામદાર બચાવના” સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ જો ટુક સમયમાં એસટી કર્મચારીઓની માંગને ધ્યાનમાં લેવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં તા. ૨૨- ૦૯- ૨૦૨૨ની મધ્યરાત્રીના ૦૦ – ૦૦ કલાકથી એટલે કે તા. ૨૩- ૯- ૨૦૨૨ને શુક્રવારના રોજથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સીલ ઉપર ઉતરશે. જેના કારણે ગુજરાતમા એસટીઓના પૈડાં થંભશે. અને લોકોને અવર જવર કરવામાં હાલકીનો સામનો કરવો પડશે. તેથી વહેલી તકે ગુજરાત સરકાર દ્વારા એસટી કર્મચારીઓની માંગને સંતોષવામાં આવે તેવી એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવેલ છે.