મોરબીમાં ઝુલતો પુલ તૂટતા બનેલી દુર્ઘટનામાં સામાન્ય લોકો સહિત જેમનાથી થઈ શકતી હતી તે મુજબની મદદ અને કામગીરી કરી છે. આ સમયે મોરબી આર.એસ.એસ. સંઘ પણ સતત ખડે પગે રહી કાર્યરત હતું. સંઘના કાર્યકર્તાઓએ સ્થાનિક વહીવટી અને પોલીસ તંત્ર સાથે સંકલનમાં રહીને અનેક કામગીરી કરી છે. ઘટનાની થોડી જ મિનિટો બાદ સ્વયંસેવકો જિલ્લા સંઘચાલક લલિતભાઈ, સહ વિભાગ કાર્યવાહ વિપુલભાઈ, જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલીયા માર્ગદર્શનમાં બચાવમાં કાર્યરત થઈ ગયા હતા.
દરેક પ્રકારના બ્લડ ગ્રુપની સમાજના સહયોગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. આવશ્યક કામમાં અનેક જેટલા સ્વયંસેવકો સતત સેવારત રહ્યા. પ્રશાસન તથા વહિવટી તંત્રની ત્વરિત કામગીરી અને પરસ્પર દરેક પ્રકારના સહયોગથી કામમાં ગતી લાવવામાં પણ તેમની ભૂમિકા હોવાનું જિલ્લા સંઘ સંચાલક લલીતભાઈ ભાલોડિયાએ જણાવ્યું હતું.
કેટલાક સ્વયંસેવકો ટેલિફોન હેલ્પ લાઈનમા મદદરૂપ થયા તો અન્યોએ તરવૈયા દ્વારા પાણીમાંથી બહાર કાઢવામા આવેલ ગાયલ લોકો અને મૃતદેહોને પુલ પાસેથી સ્ટ્રેચરમાં લઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની કામગીરી કરી. એમ્બ્યુલન્સ વિના વિલંબે હોસ્પિટલ પહોંચે તે હેતુથી બે કોરીડોરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તથા પોલીસ સાથે વ્યવસ્થામાં પણ સહયોગ આપ્યો હોવાનું પણ જિલ્લા સંઘ સંચાલક લલીતભાઈ ભાલોડિયાએ જણાવ્યું હતું.
ઉપરાંત સંઘના સ્વયંસેવકો દ્વારા દ્વારા હોસ્પિટલના ઈમરજન્સી રૂમ સુધી પહોંચાડવામાં સહયોગ આપવામાં આવ્યો હતો તથા મૃતદેહોની સુરક્ષા અને સન્માન જળવાઈ રહે તેની પણ પુરતી કાળજી રાખી હતી. ઉપરાંત પરિજનોને સાંત્વના સાથે ઓળખવિધિમાં પણ તેમણે સહયોગ આપ્યો હતો. ઘટના સમયે તાત્કાલિક માઈક વ્યવસ્થા ગોઠવી આવશ્યક માર્ગદર્શન પણ આપ્યું હતું.
