વાકાનેર-મોરબી ને.હા. રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત
મોરબી: વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર સરતાનપર રોડની ચોકડી નજીક તુલશી પેટ્રોલપંપ સામે રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે સી.એન.જી રીક્ષા હડફેટે લેતા રીક્ષા ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં બાવાગોરની તકીયાવાળી શેરીમાં રહેતા બશીરમીંયા હૈદરમીંયા કાદરી (ઉ.વ.૫૧) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૧-૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે સવા ચારેક વાગ્યા પહેલાં આરોપીએ પોતાના હવાલા વાળુ વાહન માણસની જીંદગી જોખમાય તે રીતે પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના મોટા ભાઇ અકબરમીંયા હૈદરમીંયા કાદરી ઉ.વ. ૫૫ વાળાને તેમની સી.એન.જી. રીક્ષા નં.- GJ-36-U-1119 વાળીને પાછળથી હડફેટે લઇને રોડમા પાડી દઇ તેના માથે ટાયર ફેરવી દઇ શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી પોતાના હવાલાવાળુ વાહન લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈએ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.