મોરબી-વાંકાનેર હાઈવે પર નવી આરટીઓ કચેરી સામે રોડ પરથી કાર પલ્ટી મારી જતા કાર ચાલકનું મોત
મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા ગામેની સિમ નવી આરટીઓ કચેરી સામે રોડ ઉપર કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર ઝડપથી રોડની રેલીંગ સાથે ભટકાતા રેલીંગ તોડી પલ્ટી ખાઇ જતાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કારચાલકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ગીરીશભાઈ લાલજીભાઇ પરમારે પોતાના હવાલાવાળી મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નં- GJ-03-HK-4725 વાળી ફુલ સ્પીડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા રોડમા વળાંક આવતા કારને અચાનક કાવુ મારતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર ઝડપથી રોડની ડાબી બાજુમા આવેલ લોખંડની રેલીંગ સાથે ભટકાઇ જતા લોખંડની રેલીંગ તોડીને પલ્ટી ખાઇને સર્વિસ રોડ ઉપર આવી જતા અકસ્માત થતા ગીરીશભાઈ લાલજીભાઇ પરમારને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અજીતભાઈ બિજલભાઈ સોલંકી (રહે. વાંકીયા ગામ-૨ તા. વાંકાનેર)એ કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.