પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આયોજન મંડળની બેઠકમાં ૫૭૫ લાખના ૨૪૯ કામોને બહાલી
મોરબી જિલ્લા પ્રભારી તથા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
ગત જિલ્લા આયોજન મંડળની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ : ૨૦૨૩-૨૪ માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજના વર્ષ : ૨૦૨૩-૨૪ની નવી દરખાસ્તો મંજૂર કરવા તથા વિકેન્દ્રીત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ: ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના કામોની સમિક્ષા વગેરે મુદ્દાઓને આવરી લઈને મોરબી જિલ્લા પ્રભારી તથા સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આયોજન મંડળ હેઠળના બાકી કામોની સમિક્ષા કરી તમામ કામોને પ્રાથમિકતા આપી તાત્કાલીક પૂર્ણ કરવા યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. ઉપરાંત તમામ વિકાસકામો સમયસર અને ગુણવત્તાસર કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે તમામ અધિકારીઓને પોતાના કામ અને ફરજ અંગે સક્રિય રહી, માનવીય અભિગમ અપનાવી સેવારત રહેવા અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ આયોજન મંડળની બેઠક અંતર્ગત ૧૫% વિવેકાધીન સામાન્ય જોગવાઈ અન્વયે ૪૮૭.૫૦ લાખના ૨૧૦ કામો, ૧૫% વિવેકાધીન અ.જા.પે.યો. જોગવાઈ અન્વયે ૫૨ લાખના ૨૬ કામો, ૫ ટકા પોત્સાહક જોગવાઈ અન્વયે ૧૨.૫૦ લાખના ૬ કામો, ખાસ પછાત વિસ્તાર જોગવાઈ અન્વયે ૨૩ લાખના ૭ કામો મળી કુલ ૫૭૫ લાખના ૨૪૯ કામોને બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લાની તમામ નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત જિલ્લાના પદાધિકારીઓ તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.