મોરબી: આજે હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.
જેમાં લાલાપર નજીક આવેલા સન ગ્લોસ સિરામિકમાં વૃક્ષ ધરાશયી થયુ હતું તેમજ કારખાનાના સેડમા કરા પડતાં પતરા તુટી ગયા હતા અને પવનના કારણે સન ગ્લોસ સિરામિક કારખાનાના છાપરા ઉડ્યા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રનુ વાતાવરણ પલટાયુ હતું. જ્યાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છુટો છવાયો કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજ ફરી વળ્યું છે. તેમજ હાલ જીરૂ, ઘઉં, ચણા, ધાણા સહિતના રવિ પાક તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છિનવાતા ખેડૂતોને જાણે આખા વર્ષની કમાણી તણાઇ રહી હોય તેવો ભાસ થતો જોવા મળી રહ્યો છે. હાલ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને મહતમ તાપમાનમાં મોટો ઘટાડો આવ્યો છે.
