ટ્રાફિક શાખાના જવાનોએ સતત ખડેપગે રહીને બહારથી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા
મોરબી : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું ગુજરાતમાં બે વાર પેપર ફૂટ્યાં બાદ આજે ત્રીજી વાર જુનિયર ક્લાર્કની ભરતી માટેની ગુજરાતભરમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પેપર ફૂટવાની દહેશત વચ્ચે પોલીસ દ્વારા ધડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો મોરબી જીલ્લામાં પણ પોલીસ દ્વારા ઉમેદવારો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આજે ટ્રાફિક પોલીસના જવાનોએ સતત ખડેપગે રહીને બહારથી આવેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સુદ્રઢ વ્યવસ્થા કરી આપી હતી.
મોરબી જીલ્લામાં આજે અલગ અલગ સ્થળોએથી પરીક્ષાર્થીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે આવ્યા હતા જેથી બહારથી આવેલા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અગવડતા ન પડે અને ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે માટે બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના જવાનોએ સતત ખડેપગે રહીને પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી આપી હતી જેમાં અંદાજીત ૩૦ થી ૩૫ જેટલી રીક્ષાઓ ભરીને પરીક્ષાર્થીઓને રાહતદરે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા તો કેટલાક પોલીસ જવાનોએ પોતાના અંગત વાહનમાં પણ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતાં. આ કામગીરીમાં મોરબી પોલીસની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા નાગદાનભાઈ ગઢવી, શૈલેષભાઈ સોલંકી, દેવાયતભાઈ ગોહિલ અને ધવલભાઈ ડાંગર સહિતના પોલીસ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોડા પહોંચેલા ઉમેદવારને પોલીસ જવાને માત્ર સાત મિનિટમાં જ વિરપર પાસેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા
દૂરથી આવતા ઉમેદવારોને ક્યારેક કોઈ અગમ્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડું થઈ જતું હોય છે જેથી મોડા આવતા ઉમેદવારોને સમય મર્યાદામાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા પોલીસ જવાનોએ વિશેષ કાળજી લીધી હતી જેમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે મોડા પહોંચેલા પરીક્ષાર્થીને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા વિજયભાઈ ચાવડાએ વીરપર પાસે આવેલ નવયુગ સંકુલ ખાતેના પરીક્ષા કેન્દ્ર ખાતે માત્ર સાત મિનિટ જેટલા ઓછા સમયમાં પહોંચાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
