મોરબીમાં યુવક પર એક શખ્સનો લોખંડના પાઇપ વડે હુમલો
મોરબી: મોરબીના વણકરવાસમાં યુવક પોતાના મકાનમાં પાણી છાટતો હોય ત્યારે પાણી ઉડે છે તેમ બહાનું બતાવી યુવકને મહિલાએ ગાળો આપી હતી તથા અન્ય એક શખ્સે યુવકને ગાળો આપી યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વણકરવાસ શેરી નં -૧મા રહેતા મનોજભાઇ નાનજીભાઈ ગોહેલ ઉ.વ.૫૦વાળાએ આરોપી ભાનુબેન ચંદુભાઈ નગેવાડીયા તથા મૌલિક ચંદુભાઈ નગેવાડીયા રહે બંને વણકરવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૬-૨૦૨૩ ના સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના મકાનમાં પાણી છાંટતા હોય ત્યારે આ કામના આરોપીઓ પાણી ઉડે છે. તેમ બહાનુ બતાવીને આરોપી ભાનુબેનએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડાબોલી ગાળો આપી તથા આરોપી મૌલિકએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી પોતાના હાથમાં રહેલ લોખંડના પાઇપનો એક ઘા ફરીયાદીના માથાના ભાગે મારી ઇજા કરી તથા બીજો એક ઘા ફરીયાદીના વાસાના ભાગે મારી મૂંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનોજભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૧૧૪, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.