મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં:ધરાશયી થયેલ વૃક્ષોને હટાવી માર્ગો ખુલ્લા કરાયા
મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે પડી ગયેલ વીજપોલ પી.જી.વી.સી.એલ. દ્વારા ઉભા કરવાનું શરૂ
બિપરજોય વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં અનેક વૃક્ષો તેમજ વીજપોંલ ધરાશાયી થયા છે. જેના મેન્ટેનન્સ સાહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત-દિવસ કામ કરી રહ્યા છે. નગરપાલિકા, આરએનબી પીજીવીસીએલ ટીમ એક્શન મોડમાં છે, ધોધમાર વરસાદ વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખૂબ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં ૨૬૦ વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા. તેમાંથી પીજીવીસીએલ દ્વારા ૧૧૧ વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૧૪૯ વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત ૧૫ ટ્રાન્સફોર્મર પડી ગયેલ હતા, તેમાંથી ૯ નું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને ૬ની કામગીરી ચાલુ છે. મોરબી જિલ્લામાં ૧૦૫ ગામોમાં પાવર સપ્લાય બંધ છે તેમજ ખેતીવાડી સહિત ૨૬૨ ફીડર પણ બંધ થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વીજ પુરવઠો ચાલુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં ધરાશાયી થયેલ વૃક્ષોને જેસીબીની મદદથી રસ્તા ઉપરથી હટાવવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે.