બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા માં કોઈ જાનહાની થઈ નથી
મોરબી જિલ્લા વહિવટી તંત્રની ત્રિસ્તરીય વ્યવસ્થા માટે અભિનંદન- મંત્રી કનુભાઈ દેસાઈ
આ બાબતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી. આકસ્મિક સંજોગોને પહોંચી વળવા જિલ્લામાં ચાર સબ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા હતા. વાવાઝોડાના પગલે ત્રણ દિવસમાં અંદાજે ૧૩,૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાંથી ૫,૦૦૦ જેટલા લોકોને વિવિધ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં કરેલ ત્રિસ્તરીય વ્યવસ્થાઓના પગલે કોઈપણ વ્યક્તિઓને નાની મોટી ઈજા થયેલ નથી. કોઈપણ ફેક્ટરીઓમાં પણ બનાવ બનેલ નથી, મીઠાના અગરિયાઓ પણ તમામ સુરક્ષિત છે. જિલ્લા વહીવટી તંત્રની અપીલના પગલે લોકોએ કારખાના ફેક્ટરીઓ બંધ રાખી છે, જેના થકી આપણે આ સુરક્ષિત માહોલમાં ઊભા છીએ કોઈપણ પ્રકારની નુકસાની થઈ નથી. જેથી આ તમામ ઉદ્યોગકારો અને જિલ્લાના તમામ વેપારીઓનો પણ જિલ્લા વહીવટી તંત્ર આભાર માને છે. કારણ કે તેમણે પણ ગઈકાલે સ્વૈચ્છિક રીતે બજારો બંધ રાખી બચાવ કામગીરી માટે રસ્તાઓ અને બજારો ખુલ્લી રાખી હતી. રસ્તાઓમાં ટ્રાફિક ન હોવાના કારણે આપણી ટીમો તાત્કાલિક મદદ માટે પહોંચી શકી હતી.
જે ૫,૦૦૦ લોકોને આશ્રયસ્થાનો પર રાખેલા છે તેમના જમવાની, રહેવાની, પાણીની અને આરોગ્યની વ્યવસ્થા આપણા દ્વારા કરવામાં આવી છે. આજે મોરબીમાં આપણે જોઈ શકીએ છીએ કે મોરબી, માળિયા, હળવદ અને તમામ જગ્યાઓએ ભારે વરસાદ થઈ રહ્યો છે. માટે લોકોને સલાહ છે કે ઘરમાં રહે અને બાળકોને પણ ઘરમાં જ રાખે જેથી કોઈપણ જગ્યાએ આપણે ફસાઈ ન જઈએ. આજે સાંજ સુધી અને રાત્રે પણ વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા છે અત્યારે લગભગ ૫૦ કિલોમીટર/કલાક ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આવા સંજોગોમાં આપણે જો રોડ ઉપર કોઈપણ વાહન લઇને નીકળીએ તો જાનહાની કે અકસ્માત થવાની સંભાવના રહે છે.
ખાસ કરીને બે દિવસ દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, મંદિર, ટ્રસ્ટ, એસોસિએશન અને સેવાભાવી લોકો દ્વારા ખડે પગે રહી તંત્રની સાથે ફૂડ પેકેટ વિતરણ, સાધન સામગ્રી પહોંચાડવાની, પાણીના ટેન્કર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત સ્વયંસેવકો ટ્રેક્ટર, ડમ્પર્સ, જેસીબી વગેરે સાધનો સાથે તંત્રની સાથે એલર્ટ મોડમાં સક્રિય હતા. જિલ્લાના તમામ પત્રકાર મિત્રોએ પણ ખૂબ હકારાત્મક ભૂમિકા ભજવીને જિલ્લા વહીવટી તંત્રને સારો એવો સહયોગ આપ્યો છે. જ્યાં પણ કોઈ સમસ્યા હોય કે કોઈ તકલીફ હોય તો પત્રકાર મિત્રો તંત્રનો તત્કાલીક ધ્યાન દોરતા હતા. જેથી નજીકના રાહત બચાવ કેન્દ્રથી ત્યાં બચાવની કામગીરી કે મદદ મોકલવાની કામગીરી ઝડપે થઈ શકી છે. જિલ્લા વહીવટી તંત્ર તમામ સંસ્થાઓ, એસોસિએશનના પ્રતિનિધિઓ, તમામ ધારાસભ્યો, તમામ સાંસદ સભ્યો અને ખાસ કરીને મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માને છે જેથી આપણે લોકોને સમયસર મદદરૂપ થઈ શક્યા જેથી જિલ્લામાં કોઈ મોટું નુકસાન થયું નથી