મોરબી નગરપાલિકામાં નિવૃત્તિના નામે ચાલતો ભ્રષ્ટાચાર ?
મોરબી નગરપાલિકાની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર મામલે વિરોધ પક્ષ દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવતી હોય છે ત્યારે ફરીએકવાર મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ બી. રબારીએ મોરબી નગરપાલિકામાં નિવૃત્તિના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનાં આક્ષેપો કર્યો છે અને ભ્રષ્ટાચારને અટકાવવા માટે મોરબી નગરપાલિકાના વહીવટદાર એન.કે.મૂંછારને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત પણ કરી હતી.
જે રજૂઆતમાં એવું જણાવવામાં આવ્યું છે કે, તા. ૧૮-૮-૨૦૨૩ ના રોજ સાંજના ૬.૦૦ વાગ્યે નગરપાલીકાના સફાઈ કર્મચારીના હાજરી સમયે સ્ટેશન રોડ ખાતે મોરબી નગરપાલીકાના કાયમી સફાઈ કર્મચારી હીરાબેન હરીભાઈને નગરપાલીકાના સેનીટેશનના પટ્ટાવાળા ભુદરભાઈ રૂડાભાઈ તેમજ ભાજપ સમર્થક ભરતભાઈ મગનભાઈ દ્વારા એવું કહ્યું હતું કે, ‘તમે નિવૃત થઈ ગયેલ છો, હવે પછી તમો કામ પર આવતા નહીં અને તમારા તમામ ડોકયુમેન્ટ અને રૂા.૧ લાખ તમો અમોને આપો.’ આ મુદ્દે સફાઈ કર્મચારી હીરાબેને તેમના આગેવાનો સાથે વાતચીત કરતા આગેવાનોએ નગરપાલીકામાં જઈ તપાસ કરતા માલુમ પડેલ હીરાબેનની નિવૃતિનું વર્ષ ૨૦૩૦ માં પુરૂ થાય છે. તેવો જણાવ્યું હતું
વધુમાં તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલીકાના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર, ગેરરીતિ આચરવામાં આવે છે. હાલ નગરપાલીકાના કર્મચારીઓ તેમજ આમ પ્રજામાં સફાઈકર્મી હીરાબેનનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. તેમજ નગરપાલીકાના સફઈ કર્મચારી હાજરી પ્રકરણમાં બહુ મોટો ભ્રષ્ટાચાર આર્થિક વહેવાર ઘણા લોકો દ્વારા કરવામાં આવે છે. તેમજ પગારની તારીખે પણ ઘણા લોકો સફાઈ કામદારોના પગારમાંથી અમુક ટકા હિસ્સો લેતા હોય છે. આ તમામ બાબતો આમ પ્રજામાં ચર્ચાતી હોય છે. તેવું તેમણે જણાવ્યું હતું
વધુમાં રમેશભાઈ રબારીએ વહીવટદારને યોગ્ય કાર્યવાહી કરતા જણાવ્યું હતું કે હીરાબેન પાસેથી માહિતી મેળવી લાંચ-રૂશ્વત તેમજ આર્થિક લેવડ—દેવડ, સામાજિક શોષણમાં જે જે લોકો સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય કોઈ ડીપાર્ટમેન્ટના કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ ? તેની યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી અને અંતમાં મોરબી નગરપાલિકામાં નિવૃત્તિના નામે ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરવા રજૂઆત કરી હતી.