ટંકારાના નસીતપર ગામે યુવક પર વન્ય પ્રાણીનો હુમલો ; દીપડો હોવાની આશંકા
મોરબી: ગત રવિવારે રાત્રે ટંકારા તાલુકાના નસીતપર ગામે ડેમી નદીના કાંઠે યુવાન પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો હતો અને યુવકને મોઢા પર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.જોકે સ્થળ પરથી કોઈ ક્યાં પ્રાણીએ હુમલો કર્યો તે અંગે કોઈ માહિતી મળી નથી.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ધામા નાખ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે વન વિભાગની ટીમ દ્રારા અગાઉ રામપર કોયલીતેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેનું લોકેશન મેળવવા તજવીજ હાથ ધરી હતી જોકે તે તે વખતે કોઈ સગડ મળ્યા ન હતા ત્યારે ટંકારા તાલુકાના નસીતપર ગામમાં ડેમી નદીના કાંઠે રહેતા અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા અરવિંદ ઉર્ફે હકાભાઈ ભાંભી નામનો યુવાન રવિવારે રાત્રે ઘરની બહાર સૂતો હતો તે વખતે અડધી રાત્રે આસપાસ કોઈ વન્ય પ્રાણીએ યુવક પર પર હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલાથી ડરી જતા તેમણે ચિસો પાડતા ઘરમાં રહેતા તેના પરિંજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકના મોઢાના ભાગે અને શરીરમાં ગંભીર રીતે ઈજા પહોંચતા યુવકને લોહી લોહાણ હાલતમાં સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે હોસ્પિટલમાં તબીબોએ સારવાર કરતાં સ્થિતિમાં સુધારો થયો હતો. તેમજ આ બનાવની જાણ થતાં ટંકારા રેન્જ વન વિભાગની ટીમ નસિતપર ગામે સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમ કે સ્થળ પરથી કોઈ ક્યાં પ્રાણી વડે હુમલો થયો તે અંગે કોઈ માહિતી મળી ન હતી. જેથી ખરેખર હુમલો દીપડા એ કર્યો કે અન્ય વન્યજીવે તે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.