માતાજીએ દર્શન કરવા જતા વાંકાનેરના ભીમગુડા ગામના પરિવારને ફલ્લા નજીક નડ્યો અકસ્માત ; બેના મોત, 18થી વધુ ઇજાગ્રસ્ત
ટ્રેક્ટર-ટ્રોલીમાં હર્ષદ માતાજીનાં દર્શન કરવા જતાં પરિવારને પાછળથી કારે ટક્કર મારતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત.
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામનો વીંજવાડીયા પરીવાર ગઇકાલે દ્વારકા નજીક હર્ષદ માતાજીનાં મંદિર ખાતે ટ્રેક્ટર લઇ દર્શન કરવા જતાં હોય ત્યારે રસ્તામાં જ તેમને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ નજીક પુરપાટ આવતી કારે પાછળથી ઠોકર મારતાં ટ્રેકટર તેમજ ટ્રોલી પલ્ટી ખાઈ જતાં બે મહિલાના મોત થયા હતા જ્યારે 18 થી વધારે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામ ખાતે રહેતા કરશનભાઈ જુગાભાઈ વીંજવાડીયા (ઉ.વ.૪૫) તેમજ કુટુંબના 20 થી વધારે સભ્યો સાથે ગઇકાલે ટ્રેક્ટરમાં દ્વારકા નજીક હર્ષદ માતાજીનાં મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામથી રામપર ગામ વચ્ચે ક્રિષ્ના જીનીંગ મીલ સામે હાઈવે પર પાછળથી પુરપાટ ઝડપે આવતી ટાટા હેરીયર કાર ચાલકે ટ્રેકટરને ટક્કર મારતાં ટ્રેકટર-ટ્રોલી પલ્ટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતી. જેમાં ટ્રોલીમાં બેઠેલ કિરણબેન જયરાજભાઈ વીંજવાડીયા (ઉ.વ. ૧૯) તથા શાંતાબેન શામજીભાઈ વીંજવાડીયાનું મોત થયું હતું.
સાથે જ આ અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર-ટ્રોલીમાં બેઠેલા ભીમગુડાના વીંજવાડીયા પરિવારના કરશનભાઈ જુગાભાઈ (ઉ.વ.૪૫), દેવાયત નથુભાઈ (ઉં.વ.૩૦), વિકાસ ગોરધનભાઈ (ઉ. વ.૧૭), રવી ગોરધનભાઈ (ઉ.વ.૧૦), મિતલબેન માવજીભાઈ (ઉ.વ.૪), જોશનાબેન મેપાભાઈ (ઉ.વ. ૫૫), અંજુબેન કાનાભાઈ (ઉ.વ. ૪૫), દિલીપ ગોરધનભાઈ (ઉ.વ.૧૧), શામજી રાયશીંગભાઈ (ઉ.વ.૬૫), અંકિતાબેન કીશનભાઈ (ઉ.વ.૩૧), જયરાજ અવચરભાઈ (ઉ.વ.૩૦), ગૌતમ કિશનભાઈ (ઉ.વ.૩) તેમજ રીંકલબેન મનસુખભાઈ મારૂણીયા (ઉ.વ.૧૯) સહિત 18 થી વધારે લોકોને ઈજાઓ પહોંચતા તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત વાંકાનેર વિસ્તારમાંથી અકસ્માતગ્રસ્તોના સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જે બાદ ઇજાગ્રસ્તોને વાંકાનેરની હરીઓમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, અજયભાઈ વિંજવાડીયા, હરૂભા ઝાલા સહિતના હોસ્પિટલે દર્દીઓની મુલાકાતે પહોંચ્યા હતા.