મોરબીમાં વ્યાજખોરોએ વેપારીનું અપહરણ કરી રૂ. 8 લાખનુ વ્યાજ ચડાવી 1.35 કરોડની કરી પઠાણી ઉઘરાણી
મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે જેમ શક્તિમાન ટીવી સિરિયલમાં એક ડાયલોગ હતો કે “અંધેરા કાયમ રહેગા” તેવી જ રીતે મોરબીમાં વ્યાજખોરી કાયમ રહેશે તેવુ હાલ લાગી રહ્યું છે ત્યારે મોરબીમાં એક વેપારીની મજબુરીનો લાભ ઉઠાવી બે વ્યાજખોરોએ રૂપિયા ૮ લાખ વ્યાજ આપી બાદ વેપારીનુ અપહરણ કરી વેપારીની જમીન પડાવી લેવા બળજબરીથી ખોટા દસ્તાવેજ બનાવી વેપારીને ડરાવી ધમકાવી કુલ રૂ.૦૮ લાખનુ વ્યાજ નું વ્યાજ ચડાવી ૧ કરોડ ૩૫ લાખની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં દશ લાખ લઈ હજું જમીન પચાવી પાડવા જાનથી મારી નાંખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હોવાની સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી રવાપર ઘુનડા રોડ પર બોનીપાર્ક સપના સૃષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૨ માં રહેતા અને વેપાર કરતા સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (ઉ.વ.૫૨) એ આરોપી રમેશભાઇ દેવાભાઈ બોરીચા રહે. રવાપર તા.જી. મોરબી તથા મોહિતભાઈ રામભાઇ આગરીયા રહે. રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી જે રવાપર ગામના વતની હોય અને આરોપી રમેશભાઇને ઓળખતા હોય જેથી આરોપી રમેશભાઇ એ ફરીયાદીની મજબુરીનો લાભ લઇ આરોપી મોહિતભાઈ સાથે મળી આરોપી મોહિતભાઈની ઓફીસ ખાતે ફરીયાદીને મોરબીથી લઇ જઇ પ્રથમ ૦૫ લાખ રોકડા અપાવી તથા બીજી વખત લઇ જઇ ૦૩ લાખ અપાવી તથા કુલ ૦૮ લાખ નો હિસાબ કરવાના બહાને ફરીયાદીને મોરબી ખાતેથી આરોપીઓ પોતાની કારમાં બેસાડી ફરીયાદીને મોતના ભયમાં મુકી બળજબરીથી અપહરણ કરી રાજકોટ ખાતે આરોપી મોહિતભાઈની ઓફીસે લઇ જઇ ફરીયાદીની સયુંકત માલીકીની રવાપર ગામના સર્વે નંબર-૧૮ પૈકી ૦૩ વાળી જમીનમાં નિકળતો ફરીયાદીનો હિસ્સો બળજબરીથી કઢાવી લેવા માટે શોદાખત (નોટરી) લખાણ કરાવી ફરીયાદીની સહી લઇ ખોટો દિવાની દાવો દાખલ કરાવી ફરીયાદીને ડરાવી ધમકાવી તેના નિકળતા રૂપિયા કુલ-૦૮ લાખનું વ્યાજનું વ્યાજ ચડાવી તેમજ પેનલ્ટી ચડાવી ૦૧ કરોડ ૩૫ લાખ જેવી મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં રૂપિયા ૧૦ લાખ લઇ હજુ જમીન પચાવી પાડવા માટે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
