મોરબીમાં માધ્યમિક શાળાના અભાવે અનેક વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં પ્રવેશથી વંચિત
મોરબીના વસ્તીના પ્રમાણમાં સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા મર્યાદિત હોવાથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત
મોરબી: સમગ્ર શિક્ષા અભિયાનનું ધ્યેય વાક્ય છે,સૌ ભણે, સૌ આગળ વધે,આજે શિક્ષણની ભૂખ ચારેતરફ જાગી છે,આજે દરેકને ભણવું છે,ભણી ગણીને આગળ વધવું છે,એ માટે સરકાર દ્વારા બાલવાટિકાથી ધો.8 સુધીના શિક્ષણ ખુબજ સુંદર વ્યવસ્થા કરેલી છે,પણ વિદ્યાર્થીઓ જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ તરફ પ્રયાણ કરે છે ત્યારે એમને એડમિશન માટે ખુબજ તકલીફ પડે છે.
મોરબીમાં માધ્યમિક શિક્ષણ આપતી ખાનગી શાળાઓ તો ચોરે અને ચૌટે છે પણ સરકારી મધ્યમિક શાળા એકમાત્ર વી.સી.હાઈસ્કૂલ છે, એ સિવાય દોશી&ડાભી માધ્યમિક, ડીજેપી અને સ.વ.પ. કન્યા વિદ્યાલય,બોયઝ હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ અને જ્ઞાન જ્યોત એમ માત્ર સાત જ માધ્યમિક શાળાઓ છે. જેમાં વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અથવા નજીવા શુલ્ક સાથે માધ્યમિક શિક્ષણ મેળવી શકે,મોરબી શહેર,મોરબીના આસપાસનો ગ્રામ્ય વિસ્તાર અને મોરબીના વાડી વિસ્તારમાં સિત્તેરથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં આઠમા ધોરણમાં બે થી અઢી હજાર જેટલા વિદ્યાર્થીઓ દરવર્ષે પાસ થાય છે, આ વિદ્યાર્થીઓ પૈકી ઘણા બધા વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત હોય, મજૂરવર્ગના બાળકો હોય ખાનગી શાળામાં પ્રવેશ લઈ શકતા નથી અને સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ મળતો નથી પરિણામે અનેક વિદ્યાર્થીઓનું માધ્યમિક શિક્ષણનું સપનું રોળાઈ જાય છે,હમણાં ખુલતા સત્ર વખતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વખતે દરેક પ્રાથમિક શાળા પાસેથી માહિતી માંગવા આવશે કે જે તે પ્રાથમિક શાળાના ધો-8 વિદ્યાર્થીઓ પૈકી ક્યો વિદ્યાર્થી કઈ માધ્યમિક શાળામાં ધો.9 માં પ્રવેશ મેળવ્યો? જો વિદ્યાર્થીએ ધો.9 માં પ્રવેશ ન મેળવ્યો હોય તો એ જે તે પ્રાથમિક શાળાની જવાબદારી ગણવામાં આવે છે પણ સરકાર દ્વારા જરૂરી માધ્યમિક શાળાની વ્યવસ્થા કરવામાં નથી આવી એમાં પ્રાથમિક શાળાના આચાર્ય કે શિક્ષક શું કરે? માટે મોરબી શહેરમાં કે વાડી વિસ્તારમાં માધ્યમિક શાળા શરૂ કરવી ખુબજ આવશ્યક છે અન્યથા કેટલાય વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણથી વંચિત રહી જશે તેમજ સૌ ભણે સૌ આગળ વધેનુ ધ્યેય સૂત્ર સાર્થક નહીં થાય.
