મોરબી જિલ્લાના શિક્ષકોનો આક્રોશ: અમે શિક્ષક છીએ કે બળદ? શૈક્ષણિક સત્રની શરૂઆતથી શાળાઓમાં એક પછી એક કાર્યક્રમોની ભરમાર
મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમાર ચાલુ જ છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાય શિક્ષકો અને આર.ઓ.તરીકેની કામગીરીના કારણે બાળકો ભણતરથી દૂર રહ્યા ચૂંટણી બાદ પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીમાં એક અઠવાડિયુ બાળકો શિક્ષણથી વંચિત રહ્યા, પ્રવેશોત્સવ પત્યો ત્યાં શિક્ષકો માટે તાલીમોત્સવ શરૂ થયો હાલ શાળાઓમાં શિક્ષકોની ખુબજ ઘટ છે અને એમાંય માત્ર અર્થ વાપરવામાં માટેની અર્થ વગરની ત્રણ દિવસ તાલીમ લેવા માટે દરેક શાળામાંથી ફરજીયાત બોલાવી લીધા અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા,
હજુ માંડ બે દિવસ સમુ સુતરું ચાલ્યું ત્યાં ચૂંટણી પંચે બીએલઓ માટેના સમજ્યા વિચાર્યા વગરના હુકમો કાઢ્યા વર્ષોથી જે બુથમાં કામ કરતા હતા એ બુથ ફેરવીને બીજા બુથમાં હુકમો કાઢ્યા,અમુક વિસ્તારો જ્યાં બહેનો હાઉસ ટુ હાઉસ જઈ શકે એમ નથી એવા વિસ્તારમાં બહેનોના હુકમો કાઢ્યા,બીએલઓએ ચૂંટણી પંચની ધાક,બીકના કારણે મને કમને હુકમો સ્વીકાર્યા અને બીએલઓ માટેની તાલીમનો દોર શરૂ થયો,અને વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા કે અમારા સાહેબ ક્યારે વર્ગમાં આવશે? ક્યારે અમને ભણાવશે? વિદ્યાર્થીઓના આંતરનાદને સાંભળી જ્યાં શિક્ષકો વર્ગને સ્વર્ગ બનાવવા જાય ત્યાં જિલ્લા વિકાસ અધિકારિના નવા નવા ફતવા આવી ગયા દરેક શાળામાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા સુનિશ્ચિત કરવાની જવાબદારી આચાર્યની,શાળાની આસપાસ કચરાનું ડમ્પીંગ ન થતું હોય તે માટે આચાર્યશ્રીએ ખાસ કાળજી રાખવી,ગામથી શાળા સુધી આવવાના રસ્તા પર વૃક્ષો વાવવામાં આવે તથા બાલવાટિકા ધોરણ 1 અને 2 ના વર્ગખંડ બહાર ફૂલ છોડના કુંડા મુકવા દર મહિનાના પહેલો શનિવાર સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવી બાળકો વચ્ચે સ્પર્ધા કરવાની રહેશે શાળામાં મેદાન હોય કે ન હોય દરેક શાળામાં ૧૦૦,૨૦૦ મીટર તથા ૬ થી ૮ માં ૪૦૦ મીટર દોડ, ઉંચી કુદ લાંબી કુદનું આયોજન કરવુ,શાળામાં ઉચી કુદ અંતર્ગત સાધનો ન હોય તો લોક સહયોગથી મેળવવા માટેનું આયોજન આચાર્યશ્રીએ કરવુ. દરેક શાળામાં શાળા સિદ્ધિમાં મેળવેલ નંબર વાળા બાળકને પોતાના તમામ રેકોર્ડ ખ્યાલ હોવા જોઈએ જેની જવાબદારી શિક્ષકોની,અઠવાડિયામાં એક વખત કોચિંગ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તેમજ ધોરણ છ થી આઠના બાળકો અંગ્રેજી ગુજરાતી ન્યુઝ વાંચન કરે તેવું શાળા કક્ષાએ આયોજન કરવું.
શાળામાં ન્યુઝ રીડિંગ ન્યુઝ ચેનલ માં હોય તેમ કરે તેવા પ્રયત્નો કરાવવા,દરેક શાળામાં અંગ્રેજીમાં સ્ક્રીપ્ટ શિક્ષક લખી આપશે જે બાળક પાસે વંચાવવાનાં પ્રયાસો કરવાના રહેશે. આટલા બધા કાર્યક્રમો કર્યા પછી ગુણોત્સવ અંતર્ગત B અને C કેટેગરીમાં આવેલ શાળાઓને A કેટેગરીમાં આવે તે ખાસ જોવું,અને આ બધું શાળાઓમાં થાય છે કે નહીં એ જોવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ ચેકીંગ માટેની ટિમ બનાવી એટલે શિક્ષકો ડરના માર્યા વિદ્યાર્થીઓને ભણાવવાનું છોડી આ બધું કરવા લાગ્યા, આટલા બધા કામો વચ્ચે તાલુકા મથકે,ક્લસ્ટર કક્ષાએ બાળકો માટે કટકે કટકે આવતા પાઠ્યપુસ્તકો અન્ય સાહિત્ય સામગ્રી મજૂરની જેમ લેવા જવું આમ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બધું જ કામ કરવા દેવામાં આવે છે, શિક્ષણના ભોગે એક પછી એક અનેક કાર્યક્રમોની ભરમારના કારણે શિક્ષકોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે કે અમે શિક્ષકો છીએ કે બળદ?