મોરબી જલારામ ધામ દ્વારા રૈન બસેરા ખાતે નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન અવિરતપણે ચાલુ
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી અવિરતપણે કરવામાં આવી રહી છે.
પંડિત દિનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત મોરબી રૈન બસેરા ખાતે નિરાધાર તેમજ નિરાશ્રિત બાળકો ને પાયા નું શિક્ષણ મળી રહે તે હેતુસર બાલ વાટીકા ની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઘરવિહોણા લોકો ના બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યુ છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકા UCD શાખા ના અધિકારી ચિરાગભાઈ વાઢેર, આશ્રયગૃહના મેનેજર પરેશભાઈ ત્રિવેદી તથા કેર ટેકર સ્મિતાબેન ગોસ્વામી દ્વારા ઘરવિહોણા લોકો ના ઉત્થાન માટે અવિરત સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. આશ્રયગૃહ ના સંચાલકો દ્વારા મોરબી શ્રી જલારામ ધામ ની સેવા ને બિરદાવવા સંસ્થા ના અગ્રણીઓને આશ્રયગૃહ ની મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે અનુસંધાને મોરબી શ્રી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, પારસભાઈ ચગ સહીતનાં અગ્રણીઓએ આશ્રયગૃહ ની મુલાકાત લીધી હતી તેમજ નિરાશ્રિત બાળકો ને શૈક્ષણીક કીટ અર્પણ કરી હતી. સંસ્થા દ્વારા જલારામ ધામ ના અગ્રણીઓના વરદ્ હસ્તે કેક કટીંગ કરાવી તેમની સેવાને બિરદાવી હતી. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ ધામ ના અગ્રણીઓએ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે બંને ટાઈમ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવુ જણાવ્યુ હતું.