ટંકારા ખાતે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ની ઉજવણી કરાઈ
‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહ અંતર્ગત ‘મહિલા સુરક્ષા દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લાના ટંકારામાં ઓરપેટ કોમર્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે દરેક દીકરી માત્ર શારીરિક નહિ, આર્થિક રીતે પણ મજબૂત બની પોતાના હકો માટે જાગૃત રહે તથા સરકારની યોજનાઓનો લાભ લઈ સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે માટે પ્રેરણાત્મક સંદેશો આપવામાં આવ્યો. ઉપસ્થિત દીકરીઓને ઘરેલુ હિંસા અધિનિયમ, સી ટીમ અન્વયે કરવામાં આવતી કામગીરી તથા વિવિધ હેલ્પલાઇન નંબર અને મહિલાઓની સુરક્ષા, સહાય અને વિકાસ માટે ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સ અને કરાટે દાવ અંગેનું પ્રત્યક્ષ નિદર્શન ખૂબ જ ઉત્સાહભેર કરાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી તથા પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા જિલ્લા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફ, સામાજિક અગ્રણી અરવિંદભાઈ માંડવિયા, ઓરપેટ સંકુલના ડાયરેક્ટ ગોપાલભાઈ, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિધાર્થિનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.