મોરબી જિલ્લામાં તા. 29 થી 31 ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ આયોજનો કરાશે
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવા તેમજ આપણી જૂની અને પરંપરાગત રમતો સાથે જોડવાના હેતુથી વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવનાર છે.
તારીખ ૨૯ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ, ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા તેમજ ૬૦ મિનિટ ટીમ રમતો સહિતની પ્રવૃત્તિઓ યોજાશે, ૩૦ ઓગસ્ટ ના રોજ સ્કૂલ/કોલેજ કક્ષાએ સ્પોર્ટ ડિબેટ, ફિટનેસ ટોક્સ, સ્થાનિક પરંપરાગત રમતોની સ્પર્ધાઓ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે તથા ૩૧ ઓગસ્ટના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે.
નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી, મેરેથોન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ટેનિસ બોલ, ક્રિકેટ, રસ્સા ખેંચ. યોગાસન. ચેસ, એથ્લિટીક્સ અને પરંપરાગત રમતો જેવી કે, જમ્પ રોપ. સાતોલીયુ, સંગીત ખુરશી, લંગડી, કલરીપટ્ટી, કોથળાદોડ, લીંબુ ચમચી જેવી રમતો ભુલાઈ ન જાય તે હેતુથી આ રમતોની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.