ભારત વિકાસ પરિષદ તથા IMA મોરબી દ્વારા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબીન તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા IMA (Indian Medical Association) મોરબી દ્વારા “શ્રી બુનિયાદી કન્યા શાળા” તથા “તાલુકા શાળા નંઃ૧” મોરબી ખાતે વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબિન ચેકઅપ તથા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડૉ. પ્રકાશભાઈ વિડજા (પ્રિ-ક્યોર લેબોરેટરી) અને તેમની ટીમ દ્વારા બંને શાળાઓમાંથી કુલ ૧૭૦ વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલનું કલેક્શન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને તેમનું બ્લડ ગ્રુપ સર્ટીફિકેટ અને હિમોગ્લોબિનનો રીપોર્ટ આપવામાં આવશે તેમજ જેને હિમોગ્લોબિનની ઉણપ જણાશે એમને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે.
આ કેમ્પમાં ડૉ. જયેશભાઈ પનારા અને ડૉ. ચિરાગભાઈ અઘારા દ્વારા સરળ ભાષામાં પણ ખૂબ જ સુંદર રીતે બાળકોને હિમોગ્લોબિન અંગેની અને એનાં માટે જરૂરી ખોરાક અંગે તથા બાળકોમાં આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે સભાનતા આવે તેવી માહિતી આપવામાં આવી હતી ઉપરાંત આરોગ્યલક્ષી તથા જ્ઞાનાર્જનના માટે બાધક કારણોની પણ માહિતી આપવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદનાં સભ્ય હરદેવભાઈ ડાંગર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પમાં કેનેડા વાળા મિતુલભાઈ પાવાગઢીનો આર્થિક સહયોગ રહેલ હતો.