ટંકારાના કલ્યાણપર ખાતે ‘શિક્ષણમાં સર્જનાત્મકતા’ની થીમ સાથે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો
મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે પટેલ સમાજ વાડી ખાતે ‘શિક્ષણમાં સર્જનાત્મકતા’ની થીમ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને ‘પા પા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો – ૨૦૨૫ તથા માતા યશોદા એવોર્ડ – ૨૦૨૨/૨૦૨૩ નો કાર્યક્રમ યોજાયો હતો.
સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, બાળકોને ઉમંગભેર રમતા રમતા મોજ મજા સાથે શીખવા માટેનો ભૂલકાં મેળો એ સારો પ્રયાસ છે. આંગણવાડીની બહેનો નાના નાના ભૂલકાંઓને પોષણ પૂરું પાડી તેમને પાયાનું શિક્ષણ આપી સુસંસ્કારોનું સિંચન કરે છે. બાળકોને પ્રોત્સાહિત કરી તેમના માનસિક અને બૌદ્ધિક વિકાસનો પ્રારંભ આંગણવાડીથી કરવામાં આવે છે. વધુમાં તેમણે કાર્યક્રમ દરમિયાન રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિ કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રવૃતિઓની સરાહના કરી હતી.
ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, બાળકોને આંગણવાડી થી લઈને ઉચ્ચ શિક્ષણ નિઃશુલ્ક અને સારું મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે તે પ્રકારના આ ભૂલકાં મેળા જેવા વિવિધ આયોજનો કરવામાં આવે છે. વધુમાં તેમણે બાળકો સાથે બસીને તેમની સાથે કાલીઘેલી ભાષામાં ગોષ્ઠી કરી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડીના નાના નાના ભૂલકાંઓ અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓની જોરદાર રજૂઆતે સૌને બાળ દુનિયાની સફર કરાવી હતી. માતા યશોદા એવોર્ડ – ૨૦૨૨/૨૦૨૩ અંતર્ગત જિલ્લા તથા તાલુકા કક્ષાના આંગણવાડીના શ્રેષ્ઠ કર્મચારીઓને એવોર્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરનાર તમામ બાળકો અને આંગણવાડીના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન ઇલાબેન પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ પડસુંબીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, સીડીપીઓ ભાવનાબેન ચારોલા સહિત તમામ સીડીપીઓ, આંગણવાડીના કર્મચારીઓ, નાના નાના ભૂલકાઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.