મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી “દિવાળીના પ્રકાશ સાથે આત્મનિર્ભરતાનો દીવો પ્રગટાવતી સંસ્થા”
દિવાળીના પાવન અવસરે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા “આત્મનિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થાએ 6 યુવતીઓને બ્યુટી પાર્લર અને મેહંદી કોર્સ સંપૂર્ણપણે મફતમાં શીખવવાની વ્યવસ્થા કરી છે.
આ તમામ યુવતીઓ આ તાલીમ ઉમા’ઝ પાર્લર ખાતે ઉમાબેન સોમૈયા પાસેથી મેળવશે. ઉમાબેન વર્ષોથી બ્યુટી ક્ષેત્રમાં પોતાની કુશળતા અને અનુભવો વડે અનેક સ્ત્રીઓને પ્રેરણા આપતી આવી છે. તેઓ પોતાની પ્રતિભા અને સેવા ભાવનાથી આ યુવતીઓને તાલીમ આપી તેમને આત્મનિર્ભર બનાવવાના પવિત્ર કાર્યમાં જોડાઈ છે.આ પ્રયાસનો હેતુ છે યુવતીઓને કૌશલ્ય આધારિત શિક્ષણ આપી સ્વરોજગાર માટે પ્રેરિત કરવો અને તેમને આત્મનિર્ભર જીવન જીવવા સક્ષમ બનાવવો.
દિવાળીના તહેવારમાં જયારે દરેક ઘર પ્રકાશિત થાય છે, ત્યારે મુસ્કાન વેલફેર સોસાયટી આ તાલીમ દ્વારા આ છ યુવતીઓના જીવનમાં પણ નવી ઉજાસ ફેલાવી રહી છે.