મોરબીના જેતપર – શાપર ગામે ઘોડાધ્રોઈ નદી પર ચેકડેમ બનાવવા અને મુખ્ય કેનાલ થી મોટી બરાર-જશાપર તથા મેઘપર ગામના તળાવને જોડવાની ગ્રાન્ટ મંજૂર
મોરબી તાલુકાના જેતપર-શાપર ગામે ઘોડાધ્રોઈ નદી ઉપર છેલ્લા ઘણા સમયથી બન્ને ગામ (જેતપર અને શાપર) ના સરપંચ અને ગામના આગેવાનોની નવો ચેકડેમ બનાવવા બાબતે માંગને ધ્યાને રાખી સિંચાઇ વિભાગ (સ્ટેટ) – મોરબી દ્વારા સ્થળ મુલાકાત કરી સ્થળની પરિસ્થિતીને અનુરૂપ અંદાજપત્ર -ડિઝાઇન બનાવી સરકારમાંથી આશરે રૂ. ૨,૦૪,૯૨,૯૦૦=૦૦ (અંકે રૂપિયા બે કરોડ, ચાર લાખ, બાણું હજાર, નવશો પૂરાં)ની મંજુરી મળેલ છે.
જેતપર અને શાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઈ નદી ઉપર આશરે ૧૦૩ મી. લંબાઇ માં કોંક્રીટનો ચેકડેમ બાંધવાથી ઉપરવાસમાં આશરે ૧.૦ કિ.મી. જેટલો પાણીનો ભરાવો થવાથી ૨.૯૦ MCFT (૮ કરોડ લીટર) પાણી નો સંગ્રહ થશે. જેનો કુલ કેચમેન્ટ એરીયા (સ્ત્રાવક્ષેત્ર) ૨૧૨ ચો.કિમી. જેટલો રહેશે. જેનાથી જેતપર અને શાપર ગામની આશરે ૧૦૦.૦૦ હેક્ટર ખેતીલાયક ને સિંચાઇ નો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે. આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણી ના તળ ઉંચા આવશે.
ઉલ્લેખનીય છે મચ્છુ-૩ સિંચાઈ યોજનાની મુખ્યકેનાલના છેવાડેથી માળીયા તાલુકાના મોટીબરાર-જશાપર ગામના તળાવને ભરવાની માંગ માનનીય ધારાસભ્ય કાંતીલાલ અમ્રુતીયા, મોરબી-માળીયા દ્વારા રજુઆત કરેલ હોઇ, જેને ધ્યાને રાખી સિંચાઇ વિભાગ (સ્ટેટ) – મોરબી દ્વારા સ્થળ મુલાકાત કરી સ્થળ ની પરિસ્થિતીને અનુરૂપ અંદાજપત્ર-ડિઝાઇન બનાવી સરકારમાંથી આશરે રૂ. ૩,૦૩,૨૪,૮૮૩.૦૦ (અંકે રૂપિયા ત્રણ કરોડ ત્રણ લાખ ચોવીસ હજાર આઠસો ત્યાસી રૂપિયા) ની મંજુરી મળેલ છે.
મચ્છુ-૩ સિંચાઈ યોજનાની મુખ્યકેનાલના છેવાડેથી મોરબી જીલ્લાના માળીયા તાલુકાના મોટીબરાર, જશાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર ગામના તળાવને મેઈન કેનાલના છેવાડેથી પાઈપ કેનાલ દ્વારા એસ્કેપથી જોડી પાણીથી ભરી, આ સંગ્રહિત પાણીનો ઉપયોગ આ ગામોની અંદાજે ૫૦૦.૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપી સિંચાઈનો લાભ મળી શકશે.આ ઉપરાંત કુવાઓ ચાર્જ થશે અને જમીનમાં પાણી ના તળ ઉંચા આવશે.
જ્યારે માઈનોર કેનાલ એસ્કેપનું કામ એમ.ટુ.આર.(M2R) માઇનોર કેનાલ છેવાડેથી પાણીના નીકાલ માટે એસ્કેપ દ્વારા માળીયા તાલુકાના મેઘપર ગામના તળાવને ભરવાની માંગની રજુઆત મળેલ હોઇ, જેથી સિંચાઇ વિભાગ (સ્ટેટ)- મોરબી દ્વારા અંદાજપત્ર-ડિઝાઇન બનાવી સરકારમાંથી આશરે રૂ. ૫૦, ૬૫,૨૪૦=૦૦ (અંકે રૂપિયા પચાસ લાખ, પાસઠ હજાર, બસો ચાલીસ રૂપિયા) ની મંજુરી મળેલ છે.
માળીયા તાલુકાના મેઘપર ગામના તળાવને માઈનોર કેનાલ એમ.ટુ.આર.(M2R) છેવાડેથી એસ્કેપ દ્વારા પાણીથી ભરી,આ સંગ્રહિત પાણીનો ઉપયોગ મેઘપર ગામના તળાવ ની આજુ બાજુ આવેલ અંદાજે ૧૫૦.૦૦ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇ નો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળી શકશે.