મોરબી મહાનગરપાલીકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 55 બાંધકામ સાઇટની વિઝીટ કરાઈ
બાંધકામ સાઇટ પર પ્રદુષણ નિયંત્રણના નિયમોના ભંગ બદલ અંદાજે કુલ રૂ.૧૫,૮૦૦નો દંડ વસૂલાયો
રાજ્ય સરકારના માર્ગદર્શન અને સુચનાનુસાર મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરમાં ચાલતી તમામ બાંધકામ સાઈટોની ગત અઠવાડિયે ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ચકાસણીનો મુખ્ય હેતુ બાંધકામ દરમ્યાન થતું હવાઈ પ્રદુષણ નિયંત્રણમાં રાખવો, નાગરિકોના આરોગ્યની સુરક્ષા તથા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવાનો છે.
મોરબી શહેરમાં ચાલતી કુલ ૧૩૩ બાંધકામ સાઈટોમાંથી ૫૫ સાઈટોની મુલાકાત લેવામાં આવી હતી. ચકાસણી દરમિયાન જ્યાં-જ્યાં પ્રદુષણ નિયંત્રણના નિયમોના ભંગ કરવામાં આવ્યા હતા ત્યાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ અંદાજે ₹૧૫,૮૦૦/- જેટલી દંડ રકમ વસુલ કરવામાં આવી છે.
બાંધકામ માટે પ્રદુષણ નિયંત્રણના નીચે મુજબના નિયમો નું પાલન કરવું અનિવાર્ય છે. બાંધકામ સ્થળે ગ્રીન નેટ / કવર ફરજિયાત લગાવવું, સિમેન્ટ, રેતી, ખડકું વગેરે સામગ્રીને ઢાંકી રાખવી જેથી ડસ્ટ ન ફેલાય, સાઈટમાંથી નીકળતાં વાહનોના વ્હીલ વોશ કરવાની યોગ્ય વ્યવસ્થા, ટ્રકોમાં માલ ઢાંકી (કવરના ઉપયોગથી) લઈ જઈવો ફરજિયાત, સ્થળ પર પાકો, સ્પ્રિંકલર અથવા પાણીનો છંટકાવ નિયમિત કરવો, ડિબ્રીઝ / કચરો જાહેર સ્થળે ન ફેંકવો, કચરો નક્કી કરેલી જગ્યા સુધી જ પહોચાડવો,ધ્વની પ્રદુષણ નિયમો મુજબ નક્કી કરેલા સમય બાદ મશીનરીનો ઉપયોગ બંધ રાખવો, કામદાર માટે સેફ્ટી સાધનો જેમકે માસ્ક, ગૉગલ્સ, હેલ્મેટ ઉપલબ્ધ કરાવવા.
મોરબી મહાનગરપાલિકા તમામ બાંધકામ માલિકોને તથા કોન્ટ્રાક્ટરોને ઉપરોક્ત નિયમોનું પાલન કરવા અપીલ કરે છે. પર્યાવરણનું રક્ષણ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે પ્રદુષણ નિયંત્રણના નિયમોનું પાલન કરવું દરેકની જવાબદારી છે. નિયમોનું પાલન ન કરનાર સામે આગળ પણ કડક કાર્યવાહી તેમજ દંડ વસૂલાત કરવામાં આવશે.