અકસ્માત માં વધુ એક યુવાનનું મોત:પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની હડફેટે મોટરસાયકલ ચાલકનું મોત
મોરબીમાં રોજે રોજ અકસ્માત માં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અકસ્માતના બનાવમાં અજાણ્યા વાહન ચાલક દ્વારા પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા, મોટર સાયકલ ચાલકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મોરબી તાલુકાના કુંતાસી ગામના વતની પ્રતાપભાઈ રણછોડભાઈ બાબરીયા ઉવ.૬૫ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૧૯/૧૨ ના રોજ ફરિયાદી પ્રતાપભાઈના દીકરા દિનેશભાઇ ઉવ.૩૯ પોતાનું હીરો કંપનીનું બાઇક રજી.નં. જીજે-૩૬-એકે- લઈને કુંતાસી ગામથી ગૂંગણ ગામ જઈ રહ્યા હોય તે દરમિયાન પીપળીયા ચાર રસ્તા નજીક નિરુનગર ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડ અને બેફિકરાઈથી ચલાવી આવી, દિનેશભાઇના મોટર સાયકલને હડફેટે લીધું હતું. અકસ્માતના બનાવમાં બાઇક ચાલક દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે