નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વાલી સેમિનાર યોજાયો; છ હજાર વાલીઓ રહ્યા ઉપસ્થિત
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ તે અનુસંધાને 25 ડિસેમ્બર ના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી તાજેતરમાં એક ભવ્ય અને વિચારપ્રેરક મેગા વાલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના બદલાતા સમયમાં બાળકોના શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શન અત્યંત જરૂરી બન્યું છે, તે હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેગા વાલી સેમિનાર ધોરણ અનુસાર બે અલગ–અલગ સત્રોમાં યોજાયો હતો. ધોરણ 9 થી કોલેજના વાલીઓ માટે આયોજિત સત્રમાં જાણીતા પ્રેરક વક્તા શૈલેષભાઈ સગપરિયાએ શિક્ષણ, કારકિર્દી ઘડતર, લક્ષ્યનિર્ધારણ, શિસ્ત તથા જીવનમૂલ્યો અંગે વિસ્તૃત અને અસરકારક માર્ગદર્શન આપ્યું. તેમણે વાલીઓને સમજાવ્યું કે માત્ર ગુણ નહીં પરંતુ સંસ્કાર, આત્મવિશ્વાસ અને સાચી દિશા જ બાળકના સફળ ભવિષ્યનો આધાર બને છે.
તે જ રીતે KG થી ધોરણ 8 ના વાલીઓ માટે આયોજિત સત્રમાં પ્રેરણાત્મક વક્તા યોગીરાજભાઈ સોનીએ બાળઘડતર, માતા–પિતાની જવાબદારી, બાળકના માનસિક વિકાસ અને સંસ્કાર ઘડવામાં પરિવારની ભૂમિકા વિષે સરળ, હૃદયસ્પર્શી અને વ્યવહારુ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્યું. તેમના સંબોધનથી વાલીઓમાં બાળકોને વધુ સારી રીતે સમજવાની અને યોગ્ય દિશામાં ઘડવાની પ્રેરણા મળી. બંને સત્રોમાં ઉપસ્થિત તમામ વાલીઓ માટે સુવ્યવસ્થિત અને સન્માનપૂર્ણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. નવયુગ સંસ્થાની પરંપરા મુજબ વાલીઓને આત્મીયતા અને પ્રેમપૂર્વક ભાવતા ભોજન નો આસ્વાદ માણ્યો હતો જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં પરિવારિક અને આત્મીય વાતાવરણ સર્જાયું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશાળ સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી, જે નવયુગ સંસ્થાપ્રત્યેના વિશ્વાસ અને જોડાણનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. સમગ્ર સેમિનાર શિસ્તબદ્ધ, પરિવારિક અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
આ કાર્યક્રમના અંતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબ તથા નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં વાલીઓને સંબોધન કરવામાં આવ્યું. પ્રમુખ પી.ડી. કાંજીયા પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “26 વર્ષની સફળતા છે એ અમારા વાલીઓ અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે આજે અમારા 25000 થી વધુ હેપી સ્ટુડન્ટ્સ છે એજ અમારી સાચી સફળતા અને સાચી મૂડી છે જે અમને વધુ કામ કરવા પ્રેરે છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત આ મેગા વાલી સેમિનાર શિક્ષણક્ષેત્રે એક નોંધપાત્ર અને પ્રેરણાદાયી પહેલ સાબિત થયો, જેના કારણે વાલીઓ અને સંસ્થા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો.