મોરબી વાંકાનેર હાઈવે રોડ પર ડમ્પરે ઠોકર મારતા શ્રમીકનુ મોત
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વધુ એક માર્ગ અકસ્માતમાં શ્રમિક યુવકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેમાં લખધીરપુર રોડની સામે હાઇવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરી રહેલ સીરામીક શ્રમિકને પુરપાટ ઝડપે આવતા અજાણ્યા ડમ્પર વાહને ઠોકરે ચડાવતા, ડમ્પરના તોતિંગ વ્હીલ શ્રમિક યુવકના બન્ને પગ ઉપર ફરી વળ્યાં હતા, અકસ્માત બાદ ગંભીર ઇજાગ્રસ્ત યુવકને મોરબી, રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત અંગે મૃતક યુવકના ભાઈની ફરિયાદને આધારે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ આરોપી અજાણ્યા ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ખીમલાશા ગામના વતની અને હાલ લખધીરપુર રોડ ઉપર એન્ટિક વન નામના સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા સતિષભાઈ ભાગીરથભાઈ અહિરવાર ગત તા.૨૬ નવેમ્બર ના રોજ પોતાના વતનથી પરત આવ્યો હતો, ત્યારે તે લખધીરપુર રોડ સામે ઉતરેલ અને રોડ ઓળંગી સામે છેડે જતો હોય તે દરમિયાન વાંકાનેરથઈ મોરબી આવતા અજાણ્યા ટ્રક-ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી આવી સતિષભાઈને હડફેટે લેતા, ડમ્પરનું તોતિંગ વ્હીલ સતિષભાઈને બંને પગ ઉપર ફરી વળ્યું હતું, અકસ્માત બાદ અજાણ્યો ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત સતિષભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવતા, જ્યાં બે દિવસની ટૂંકી સારવારમાં સતીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ આશીશભાઈની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.