મોરબીમાં આઇસગેટ પોર્ટલ પર બનાવટી દસ્તાવેજોથી આઠ સિરામિક એકમો સાથે રૂ.1.62 કરોડની છેતરપિંડી
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાઈ હતી. આ રીતે કુલ ૮ સીરામીક કંપનીઓને રૂ.૧,૬૨,૭૮,૮૫૮/- નું આર્થિક નુકસાન થયા અંગેની ફરિયાદ મોરબી સાયબર પોલીસ મથકમાં નોંધાઈ છે, અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બોન્ઝા વિટ્રીફાઇડ સીરામીક કંપનીના ૪૧.૮૧ લાખ રૂપિયા મોરબી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા પરત આપાવ્યા હતા.
મળતી માહિતી મુજબ ફરિયાદી દિપકભાઈ વલમજીભાઈ પાંચોટીયા ઉવ.૩૬ રહે.પ્રયાગ અપર્યમેન્ટ પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદી દીપકભાઈની નાશા ઇન્ટરનેશનલ સહિત મોરબીની સીરામીક પેઢીઓના દસ્તાવેજોમાં ચેડાં કરી આઇસગેટ પોર્ટલમાં ખોટી રીતે યુઝર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ બનાવટી ઇ-મેઇલ આઈડી, ખોટા મોબાઇલ નંબર અને બોગસ ડિજિટલ સિગ્નેચર બનાવી તેને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ રીતે ICEGATE રોડટેપ સ્કીમ અંતર્ગત સરકાર તરફથી મળેલી રકમની સ્ક્રિપ્સ તૈયાર કરી અન્ય આઇસગેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નાશા ઇન્ટરનેશનલ, નેક્ષોના સીરામીક એલએલપી, નેશા વિટ્રીફાઇડ એલએલપી, સેફોન સીરામીક એલએલપી, લક્ઝરીકો સીરામીક એલએલપી, વિવાન્ટા સીરામીક, સિલ્ક સીરામીક તથા લીનોરા વિટ્રીફાઇડ સહિત કુલ ૮ સીરામીક એકમોની રૂ.૧.૬૨ કરોડથી વધુની રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવી છે. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.