મોરબીના સ્કાય મોલના ગેરકાયદેસર બાંધકામના દબાણ હટાવવા જાગૃત નાગરિકની કમિશનરને રજૂઆત
જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ ઝાલાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી, દસ દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી
મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ હોવાનો આક્ષેપ કરીને જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી છે. બે સોસાયટીના લે-આઉટ ભેગા કરી રોડ બંધ કરી બાંધકામ કરાયું હોવાનું જણાવતાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તથા રોડ તરફનું ૨૦ ફૂટનું બાંધકામ તાત્કાલિક તોડી પાડવાની માંગ ઉઠી છે.
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલના ગેરકાયદેસર બાંધકામને લઈને વિવાદ તીવ્ર બન્યો છે. જાગૃત નાગરિક હરેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા રહે. મુ. શકત શનાળા દ્વારા મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજુઆત કરી સ્કાય મોલમાં થયેલા દબાણ અને કાયદા વિરુદ્ધના બાંધકામ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સ્કાય મોલમાં બે અલગ અલગ સોસાયટીના લે-આઉટ પ્લાન ભેગા કરીને સોસાયટીના રોડ બંધ કરી સમગ્ર લે-આઉટ તૈયાર કરવામાં આવ્યો છે. આ બાબત અગાઉ તે સમયના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની સામે રજૂ કરાઈ હોવા છતાં ફાઈલ દબાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરપાલિકાના દફ્તરમાંથી સ્કાય મોલની ઓરિજિનલ ફાઈલ મેળવી સંપૂર્ણ તપાસ કરાય તો મોલના આગળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તેમજ રોડ તરફનું અંદાજે ૨૦ ફૂટનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું બહાર આવશે.
વધુમાં જણાવાયું છે કે શનાળા રોડની મધ્ય રેખાથી કેટલા અંતરે બાંધકામ થવું જોઈએ તેની નોંધ નગરપાલિકાના દફ્તરે ઉપલબ્ધ છે. આસપાસના અન્ય બિલ્ડીંગો રોડની મધ્ય રેખાથી દૂર હોવા છતાં સ્કાય મોલ કેમ રોડની આગળ આવી રહ્યું છે, તેની નિષ્પક્ષ તપાસ કરી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની માંગ ઉઠી છે. નોધનીય છે કે મહાનગરપાલિકાએ શહેરમાં અનેક દબાણો દૂર કર્યા છે અને નાગરિકો કમિશ્નરની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે, તેમ છતાં સ્કાય મોલના મામલે કાર્યવાહી ન થવા પાછળ કોઈ રાજકીય દબાણ છે કે કેમ તેવો પ્રશ્ન પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. જો દસ દિવસની અંદર યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો યુવા ગ્રુપ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની તથા જરૂર પડે તો માનનીય હાઈકોર્ટમાં ન્યાય માંગવાની ચેતવણી આપવામાં આવી છે.