યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સરકારી હાઈસ્કૂલ ઘૂટુ ખાતે માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
“સ્વચ્છતા સાથે શિક્ષણ, આરોગ્ય સાથે સશક્તિકરણ”ના ઉદ્દેશ્ય સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા તારીખ 10/01/2026ના રોજ મોરબી જિલ્લાના ઘૂટુ ગામની સરકારી હાઈસ્કૂલમાં માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ આરોગ્ય જાગૃતિના ભાગરૂપે સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ગ્રામ્ય તથા ઔદ્યોગિક વિસ્તારની અંદાજે 100 જેટલી વિદ્યાર્થિનીઓને દત્તક લેવામાં આવી, જેમને સંસ્થા દ્વારા દર મહિને નિઃશુલ્ક સેનિટરી પેડ્સ આપવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવતીઓમાં સ્વચ્છતા તથા આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક વનિતાબેન, સમગ્ર શાળા સ્ટાફ તથા યુવા શક્તિ ફાઉન્ડેશનની મહિલા સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.