દેવાળુ જયંતિભાઇ રાજકોટીયાનો મામલો ઇન્કમટેક્સ વિભાગ અને રેન્જ આઇજી સુધી પહોંચ્યો
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાનો દેવાળાનો મામલો હવે ઇન્કમટેક્સ અને રેન્જ આઇજી સુધી પહોંચ્યો છે જેમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા ઇન્કમટેક્સ અને રેન્જ આઇજીને લેખિત રજુઆત કરી જયંતિભાઇ રાજકોટીયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજનાથસિંહ જાડેજા તથા પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર અતુલ રાજાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીના મહામંત્રી ડી.પી. મકવાણા તથા ગોપાલભાઈ અનડકટે રાજકોટ રેન્જ આઇજી અને ઈન્કમટેકસ વિભાગમા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાના કૌભાંડ વિશે લેખિત રજુઆત કરી છે અને જણાવ્યું છે કે મોરબી જિલ્લાના ભાજપના પ્રમુખ જયંતીભાઇ રાજકોટિયા દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 700 થી 800 કરોડોના કથિત કૌભાંડમાં સંડોવણી ખુલી છે અને પોતે એક પત્રકાર પરિષદમાં પણ પોતાનો ગુના નો એકરાર કર્યો છે. અનેક નાના માણસોના નાણાઓ હજમ કરી ગયા છે. જેના નાણા લઇ અને પરત નહીં આપતા જ્યારે લેણદાર પોતાના નાણાંની ઉઘરાણી કરવા જીલ્લા ભાજપ પ્રમુખ પાસે જાય છે ત્યારે ચોર કોટવાલને દંડે એ પ્રકારે લેણદારની સામે ધાક ધમકી વાપરી પોલીસમાં ફીટ કરાવવા દેવાની ભાષા વાપરી ગાળો બોલતા હોવાનું જાણવા મળ્યું છે. અનેક નાના માણસોના પૈસા કયા આધારે લેવામાં આવ્યા હતા. ફાઇનાન્સ નું લાઇસન્સ ધરાવે છે કે કેમ ? જો લાયસન્સ પણ ન ધરાવતા હોય તો આ અંગે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે નાના માણસોની ની ઉચાપત કરેલ હોય ત્યારે અધિકારીઓ ઉપર ઇડીની રેડ પડે છે તો કાળા નાણાંની હેરાફેરી માટે ભાજપના સંસદ સભ્યો, ધારાસભ્યો કે હોદ્દેદારો પર ઇડીની રેડ કેમ પડતી નથી ? મોરબી જિલ્લાના કથિત કૌભાંડમાં ઇડી ઝુકાવે અને તટસ્થ તપાસ કરે અને મોરબી પોલીસ ફરિયાદી બની વિશ્વાસઘાત અને છેતરપિડી સબબ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પર ગુનો દાખલ કરે.
તેમજ પોલીસ એક નંબર જાહેર કરે તેમાં જેન્તીભાઈ નો ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા અપીલ કરે અને કરોડો રૂપિયાનું જ્યારે કૌભાંડ છે ત્યારે ભાજપના જે કોઈ કાર્યકર્તાઓ કે આગેવાનોની સંડોવણી ખુલી થાય તેવા આગેવાનો સામે પણ પોલીસ FIR કરી તટસ્થ તપાસ કરે તેવી માંગ કરી છે. હાલ જેન્તીભાઈ રાજકોટિયા વિદેશ જવાની પેરવી માં હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કોંગ્રેસ આગેવાનો દ્વારા ઈન્કમટેકસ વિભાગમા પણ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી જયંતિભાઇ રાજકોટીયા તમમા વહીવટીની તપાસ કરવામાં અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ આ રજુઆતને ધ્યાનમાં લઇ શાસક પક્ષના દબાણને વશ થયા વગર સમગ્ર કૌભાંડ ની તપાસ તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને આપ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની જાણ કરવા જણાવ્યું હતું.