મોરબી મયુરપુલ નીચે થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં સામસામે ફરિયાદ નોંધાઈ
મોરબીના મયુર પુલ નીચે પ્રેમ સંબંધ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક 60 વર્ષીય વૃદ્ધનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા મોત નિપજ્યું હતું તો બીજી તરફ બંને પક્ષો દ્વારા મારામારી થતા કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ મામલો હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ મયુર બ્રિજ નીચે નદીના પટમાં ઝૂંપડામાં રહેતા અને વેપાર કરતાં મનોજભાઈ કાસુભાઈ ચારડમીયા (ઉ.વ.૨૨) એ આરોપી અજય રમેશભાઈ હઠીલા, અજય ભનુભાઈ, બંટી ડામોર, દીપુ અરજણભાઈ રહે. ચારે મોરબી મયુર પુલ નીચે ઝૂંપડામાં તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અજય રમેશભાઇ હઠીલાને ફરીયાદિની બહેન સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન કરવાની વાત કરતા જે બાબતે ફરીયાદી તથા સાથીઓ સાથે બોલાચાલી કરી ઝઘડો થતા આરોપી અજયએ તેની પડોશમા રહેતા આરોપી અજય ભનુભાઇ તથા બંટી ડામોર તથા દિપુ અરજણભાઇને બોલાવી ફરીયાદી તથા સાથીઓને છૂટા પથ્થરોના ઘા તથા ત્યા પડેલ લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદીના પિતાને ચારેય જણાએ ઢસડીએ બાવળની કાંટમા લઇ જઇ કોઇ તીક્ષ્ણ હથિયારનો એક ઘા ડાબા પગના સાથળમા મારી દઇ મોત નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે મોરબીના સામાકાંઠે આવેલ મયુર પુલ નીચે મચ્છુ નદીના પટમાં રહેતા અને મજૂરી કામ કરતા અજયભાઈ રમેશભાઈ હઠીલા (ઉ.વ.૨૫) એ આરોપી મનોજભાઈ કાસુભાઈ મનોજભાઈ ના પિતા કાસુભાઈ મનોજભાઈ ના શાળા દિલીપભાઈ મનોજભાઈના સસરા ઘોઘાભાઈ મનોજભાઈ ના સસરા સવજીભાઈ રહે બધા હાલ મયુર પુલ નીચે નદીના પટમાં મોરબી વાળા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ તાપણુ કરી બેસેલ હોય ત્યા ફરીયાદી બેસવા જતા અને ત્યા જઇ પ્રેમસંબંધ બાબતેની વાતચીત કરતા આરોપીને તે બાબતે સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદિને ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર મારતાં ફરીયાદીએ બાજુમાં રહેતા સાથીઓને બોલાવતા જેઓએ ફરીયાદી તથા આરોપીઓને જુદા પાડી ઝઘડો નહી કરવા સમજાવી છુટા પાડતા જે સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદિને તથા સાથીઓને લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.