મોરબીમાં યુવકને ત્રાસ આપી મરવા મજબૂર કરનાર શખ્સોને કડક સજા આપી ન્યાય આપવા રાજ્યના ગૃહમંત્રીને રજુઆત
મોરબીમા ધંધાના રૂપિયા બાબતે યુવકને ત્રાસ આપી ત્રણ શખ્સોએ દ્વારા મજબુર કરવામાં આવ્યો હતો અને યુવકના આપઘાત બાદ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ પણ નોંધાઈ હતી ત્યાર આ યુવકને મરવા મજબૂર કરનાર આરોપીને કડક સજા આપી ન્યાય આપવાની માંગ સાથે યુવકના પીતા ભગવાનજીભાઈ મનજીભાઈ વિડજાએ રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે અરજદાર ના યુવાન પુત્ર( ઉમર 36) વિપુલ ભગવાનજી વિડજાએ ગત તા.14-12- 2025ના રોજ આપઘાત કરિ લીધો હતો. જો કે આપઘાત પૂર્વ યુવકે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે એસપીને સંબોધીને આરોપીઓ આશિષ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવ દસાડીયા, કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ આરોપીઓ કેટલી હદે અનહદ ત્રાસ આપ્યો હશે કે યુવકને જાતે જ આત્મઘાતી પગલું ભરવું પડ્યું હશે ફરીયાદીના પુત્રની મનોવ્યથા વિચારીને મારા મનમાં કંપારી છૂટી જાય છે.આ સ્યુસાઇડ નોટના આધારે અરજદારના પુત્રના બનેવી એટલે મારા જમાઈએ જે તે સમયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મારા મિત્ર એવા આશિષ પાડલીયાએ મને કહ્યું હતું કે મારે સોલારનો ધંધો કરવો હોય એના માટે તું રૂપિયા આપ, ત્યારે ફરિયાદી મારા જમાઈએ મિત્રના નાતે ભરોસો મૂકી હાથ ઉછીના પહેલા 7.50 લાખ અને બાદમાં 31.50 લાખ આપ્યા જેનું લખાણ નોટરી પાસે કરાવ્યું હતું. બાદમાં ફરી આશિષએ હું તમને મારા ધંધામાં ભાગીદાર બનાવીશ હજુ મને થોડા પૈસા આપો. એટલે જમાઈએ કટકે કટકે ઓનલાઈન મળીને કુલ રૂ. 1.26 કરોડ આપ્યાને એક વર્ષ જેવો સમય થઇ જતા ફરિયાદીએ આશિષ પાસેથી અવારનવાર પૈસા માંગ્યા હતા. પણ તે જુદાજુદા બહાના કાઢી ઉઠા ભણાવીને પૈસા આપતો ન હતો. તેથી ફરિયાદીએ તેમના સાળા એટલે વિપુલને કહ્યું હતું કે, તેઓએ આશિષને 1.26 કરોડ અને કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને પણ છ લાખ આપ્યા હોય પણ આ બન્ને રૂપિયા પરત આપતા નથી. આથી વિપુલે એ બન્ને પાસે રૂપિયાની ઉઘરાણી કરતા આશિષ મેં તારી પાસે પૈસા લીધેલ નથી તેથી તું ક્યાંય વચ્ચે આવતો નહિ. આથી સાળા બનેવીએ ફરી આરોપીઓ પાસે તેમના હક્કના પૈસા માંગતા તેણે હવે તમારા પૈસા ભૂલી જજો, નહિતર તમારે જીવ ગુમાવવો પડશે અને વ્યાજના ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા અને તારા બાપ ભગવાનજી ભાઈ ઉપર પણ ખટારો ચડાવી દઇશ એટલી હદે ત્રાસ આપ્યો કે મારા પુત્રને રિબાઈ રિબાઈને પોતાની જાતને ખતમ કરવી પડી હતી. એ આપઘાત કરતા પહેલા મારા એક ના એક પુત્રની માનસિક હાલત કેવી દર્દનાક હશે ? પુત્રએ આપઘાત કર્યા બાદ મારી તથા અરજદારના પરિવારની કેવી મનોદશા થઈ હશે એ પરિસ્થિતિ તો જેના પર વીતી હોય એ જ જાણે. મારા પુત્રની અણધારી વિદાયનો આઘાત ક્યારેય જીરવી નહિ શકાય. એની ખોટ પણ ક્યારેય નહીં પુરાઈ. પણ સમાજમાં આવા કેટલાક અહેસાન ફરામોસ હોય જે અણીના સમયે કરેલી મદદ ભૂલી જાય અને પછી ખોરા ટોપરા જેવી દાનત દેખાડી નિર્દોષનું જીવતર ઝેર કરી નાખતા હોય અરજદારના પુત્રની જેમ બીજા કોઈ પણ આવા પગલાં ન ભરે એ માટે આ ત્રણેય આરોપીઓ સામે કડકમાં કડક એટલે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
