મોરબી જિલ્લામાં વિધવા તથા નિરાધાર વિકલાંગ લાભાર્થીઓની પેન્શનની અટકેલી રકમ બાબતે કલેકટરને રજૂઆત
મોરબી જિલ્લામાં વિધવા તથા નિરાધાર વિકલાંગ લાભાર્થીઓને પેન્શનની રકમ લાંબા સમયથી ન મળતી હોવાથી મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી અટકાયેલ પેન્શન બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં સરકારની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ અંતર્ગત નોંધાયેલા અનેક વિધવા મહિલા તથા વિકલાંગ લાભાર્થીઓને છેલ્લા લાંબા સમયથી પેન્શનની રકમ મળતી નથી. સરકાર દ્વારા જાહેર કરાયેલી વિધવા સહાય યોજના તથા વિકલાંગ પેન્શન યોજના ગરીબ અને નિરાધાર વર્ગ માટે જીવનનિર્વાહનું એકમાત્ર આધાર સ્તંભ છે છતાં દુર્ભાવ્યવંશ અનેક યોગ્ય લાભાર્થીઓને નિયમિત રીતે પેન્શન ચૂકવાતું નથી. જેના કારણે તેમને આર્થિક, માનસિક અને સામાજિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તપાસ અને લોક સંપર્ક દરમિયાન જાણવા મળ્યુ છે કે, અનેક લાભાર્થીઓને અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં પણ બેન્ક ખાતામાં પેન્શન જમા થતું નથી કેટલાક કિસ્સાઓમાં વર્ષોથી પેન્શન અટકેલું છે લાભાર્થીઓ વારંવાર તાલુકા તથા જિલ્લા કચેરીઓના ધકકા ખાતા હોવા છતાં તેમને સંતોષકારક જવાબ મળતો નથી.
વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યકિતઓ માટે આ પેન્શન માત્ર સહાય નથી. પરંતુ રોજિંદા જીવનની આવશ્યકતાઓ – જેમ કે ખોરાક, દવાઓ, રહેઠાણ અને સારવાર માટે અનિવાર્ય આવક છે પેન્શન ન મળવાના કારણે ઘણા પરિવારો ગંભીર આર્થિક સંકટમાં ફસાયા છે. જે સમાજ માટે પણ ચિંતાજનક બાબત છે.
આથી મોરબી જિલ્લામાં વિધવા તથા વિકલાંગ પેન્શન યોજનાઓની તાત્કાલીક સમીક્ષા કરાવી, અટકેલી પેન્શન રકમ વહેલી તકે લાભાર્થીઓના ખાતામાં જમા કરાવવાની વ્યવસ્થા કરવા આપની કક્ષાએથી યોગ્ય સૂચનાઓ આપવામાં આવે. સાથે જ ભવિષ્યમાં આમા વિલંબ ન થાય તે માટે જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.