મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસેથી ગાડીઓના ટાંકિના લોક તોડી 970 લી. ડીઝલની ચોરી
મોરબી જિલ્લામાં ફરી ડીઝલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે ગાડીઓની ટાંકીના લોક તોડી ટેન્ક માંથી 970 લીટર ડીઝલ ચોરી કરી તસ્કરો લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બરવાળામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા કલ્પેશ ભાઈ કેશવજીભાઈ શેરસિયા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા થી એક કિમી પહેલા કેલિબર પેપર મિલ પાસે અજાણ્યા ચોર ઈસમો આવી ફરિયાદીની ગાડીઓની ડીઝલ ટેન્ક તોડી તેમાંથી ડીઝલ આશરે 220 લિટર જેની કિંમત રૂપિયા 19,962 ના મુદ્દા માલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે બીજી ફરિયાદ મોરબીના રવાપર રોડ કેનાલ ચોકડી એકતા એવન્યુ હાઈટ્સ ફ્લેટ નંબર 402 માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હિતેશભાઈ સવજીભાઈ અઘારા (ઉ.વ.૩૬) એ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામ ના પાટીયા પાસે અવધ કાંટા પાસે પાર્કિંગમાંથી એક નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા ઈસમોએ ફરિયાદીના ડમ્પરો તથા સાથી અશ્વિનભાઈ હિતેન્દ્રભાઈ હરખજીભાઈ સનાવડા અમિનભાઈ માનસુરભાઈ ગઢવી ની ગાડીઓની ડીઝલ ટેન્ક માંથી ડીઝલ લેટર 750 કિંમત રૂપિયા 68,055 ના મુદ્દા માલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આમ કુલ મળી અને 970 લીટર ડીઝલ ચોરી કરી અજાણ્યા ઇસમો નાસી ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.