ટંકારા: મજુરીના રૂપિયા માગતા ગેરજના કર્મચારીઓને છ થી સાત શખ્સોએ લાકડાના ધોકા વડે ફટકાર્યા
મોરબી રાજકોટ હાઇવે પર ટંકારા નજીક બાની વાડી સામે આવેલ લાભ ગેરજ પાસે રોડ ઉપર યુવકે આરોપી સ્કોર્પિયો ચાલક પાસે મજૂરીના પૈસા માગતા આરોપીને સારું ન લાગતા અન્ય શખ્સોને ફોન કરી બોલાવી આરોપીઓ ગાડી લઈ આવી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે યુવક તથા ગેરેજના કર્મચારીઓને માર મારી ઇજા કરી હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બાદનપર ગામના વતની અને હાલ મોરબીના શનાળા ગામે ગોકળદાસ પ્રાગજીવન જીન પાછળ ગોકુલ નગર શેરી નંબર 20 મા રહેતા પ્રતિકભાઇ ઈશ્વરભાઈ કણઝરીયા (ઉ.વ.૨૧) એ એ આરોપી સ્કોર્પિયો કારનો ચાલક, એન્ડોવર ગાડી, રજીસ્ટર નં. GJ-03-LM-5634 નો ચાલક, અન્ય ફોરવ્હીલ ગાડીનો ચાલક, આશરે ત્રણથી ચાર અજાણ્યા માણસો તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીએ સ્કોર્પિયો ચાલક પાસે મજૂરીના પૈસા માગતા આરોપી સ્કોર્પિયો ચાલકે જણાવેલ કે પાછળ શેઠ આવે છે બાદ થોડીવારમાં એક એન્ડઓવર રજીસ્ટર નં GJ-03- LM-5634 નો ચાલક આવીને કહેલ કે મને કોને ફોન કરેલ છે તેમ કહી ગાળો આપવા લાગતા તે દરમ્યાન એક અન્ય ફોરવ્હીલ કાર આવેલ અને બન્ને કારમાંથી અજાણ્યા ત્રણ થી ચાર માણસો હાથમાં લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ લઇને આવીને ફરીયાદી તથા સાથીઓને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારતા ફરીયાદીને જમણા હાથમાં ફેકચર તથા માથાના ભાગે મુંઢ ઇજા તથા સાથી ભાવેશભાઇને ડાબા હાથમાં ફેકચર તથા સાથી મેહુલભાઇને પગમાં મુંઢ ઇજાઓ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
