રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં આવેલી ભગીરથ સોસાયટીમાં ગત રવિવારે (17મી મે) દેશી દારૂ પીધા બાદ મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયા નામના બે મિત્રોના શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યા હતા.
દારૂ પીધાના થોડા જ સમયમાં બંનેની તબિયત લથડી હતી અને પરિવારજનો કંઈ સમજે તે પહેલાં જ ગણતરીની મિનિટોમાં બંનેના કરુણ મોત થયા હતા. શરૂઆતમાં આ ઘટના કથિત લઠ્ઠાકાંડ હોવાની આશંકા સેવાતા સ્થાનિક કક્ષાએ ગેરકાયદે વેચાતા દેશી દારૂના દૂષણ સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોલીસ તપાસમાં હત્યાનો પર્દાફાશ
જોકે, આ કેસમાં રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કોઈ લઠ્ઠાકાંડ નહોતો, પરંતુ પૂર્વઆયોજિત હત્યાનો ગુનો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક બંને મિત્રોએ પોલીસને બાતમી આપી હોવાનો ખાર રાખીને જીણા ભગત ઉર્ફે જીણા ગોહિલ નામના વ્યક્તિએ દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી દીધો હતો.
સીસીટીવી ફૂટેજમાં પણ અલ્પેશ અને જીણા ભગત વચ્ચે દેશી દારૂની આપ-લે થતી હોવાનું સ્પષ્ટ દેખાયું છે. આ પુરાવાઓના આધારે પોલીસે હવે આ મામલે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
આરોપીનો આપઘાતનો પ્રયાસ
બીજી તરફ, આ ગુનામાં પોલીસની પકડથી બચવા માટે આરોપી જીણા ગોહિલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વંદા તેમજ મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કૃત્ય બદલ પોલીસ દ્વારા તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 226 હેઠળ અલગથી ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




