અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે 45.5°C તાપમાન સાથે ડીસા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.7°C જેટલો મોટો વધારો નોંધાયો છે, જે છેલ્લા 8 વર્ષમાં મે મહિના દરમિયાન નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. બુધવારે રાજ્યના મહત્વના 7 શહેરોમાં ગરમીનો પારો 42°C ને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 43°C અને સુરેન્દ્રનગરમાં 43.3°C તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલીમાં 42.9°C અને રાજકોટમાં 42.2°C જ્યારે વડોદરામાં પારો 42°C પર પહોંચ્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભુજમાં 40.4°C અને ભાવનગરમાં 40.3°C તાપમાન રહેતા અસહ્ય અકળામણ અનુભવાઈ હતી.
અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં સરેરાશ મહત્તમ તાપમાન 42.2°C નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી અમદાવાદનું તાપમાન 42°C ની આસપાસ જ જળવાઈ રહેવાની શક્યતા છે, જેને પગલે નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય અનેક રાજ્યોમાં પણ ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારો કાળઝાળ ગરમીના કારણે અગનભઠ્ઠીમાં ફેરવાયા હતા, જેમાં બાંદામાં તો ગરમીનો પારો 48°C એ પહોંચી જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઉત્તર પ્રદેશના કુલ 75 માંથી 22 જિલ્લામાં તાપમાન 40°C થી વધુ નોંધાયું હતું.
![]()
પંજાબ અને હરિયાણામાં પણ ઉત્તર પ્રદેશ જેવી જ ગંભીર સ્થિતિ જોવા મળી હતી. પંજાબના ફરિદકોટમાં 47.3°C જ્યારે હરિયાણાના રોહતકમાં 46.9°C તાપમાન નોંધાતા કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તરફ મહારાષ્ટ્રના વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં પણ ભીષણ હીટવેવની (લૂની) સ્થિતિ પ્રવર્તી રહી છે, જેમાં અમરાવતીમાં તાપમાનનો પારો 46.8°C સુધી આંબી ગયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પણ સતત વધતા તાપમાન અને ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.




