આજથી બદલાઈ ગયા આ મહત્વના નિયમો: LPG સિલિન્ડર મોંઘો, કારની કિંમતમાં વધારો; જાણો શું થયું સસ્તુ અને શું થયું મોંઘુ?

આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે જાણો આજથી શું બદલાયું અને ક્યાં તમારો ખર્ચ વધી શકે છે.

LPG e-KYCની અંતિમ તારીખ પૂર્ણ

LPG ગ્રાહકો માટે e-KYC કરાવવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 હતી. એટલે કે, જે ગ્રાહકોએ ગઈકાલ સુધીમાં e-KYC પૂર્ણ કર્યું નથી, તેમને આજથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. LPG કનેક્શનની ઓળખની ચકાસણી માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા લાગુ કરવામાં આવી રહી છે.

કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘો

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. હવે કોમર્શિયલ સિલિન્ડર માટે અગાઉની સરખામણીએ પ્રતિ સિલિન્ડર ₹9.50 વધુ ચૂકવવા પડશે. આ ઉપરાંત 5 કિલોગ્રામના નોન-ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં પણ ₹2નો વધારો કરવામાં આવ્યો છે અને તેની કિંમત હવે ₹764 થઈ છે.

ટાટાની કાર ખરીદવી મોંઘી થશે

નવી કાર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે પણ આજથી ખર્ચ વધી શકે છે. ટાટા મોટર્સે પોતાની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીના વિવિધ મોડલની કિંમતમાં ₹25,000 સુધીનો વધારો થઈ શકે છે. આ વધારામાં પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ થાય છે. એટલે ટાટાની નવી કાર ખરીદનારા ગ્રાહકોને હવે વધુ રકમ ચૂકવવી પડી શકે છે.

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ

1 સપ્ટેમ્બરથી ભારતથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. હવે બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન સ્ટેમ્પ લેવાની જરૂર રહેશે નહીં. ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટેડ બોર્ડિંગ પાસની મદદથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. આ ફેરફારથી એરપોર્ટ પર મુસાફરોનો સમય બચવાની શક્યતા છે અને ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ડિજિટલ બનશે.

મુંબઈમાં દૂધના ભાવમાં વધારો

સપ્ટેમ્બર શરૂ થતાં જ મુંબઈમાં દૂધના ભાવમાં પણ વધારો થયો છે. મુંબઈ દૂધ ઉત્પાદક સંઘે જથ્થાબંધ દૂધના ભાવમાં પ્રતિ લિટર આશરે ₹9નો વધારો કર્યો છે. જથ્થાબંધ ભાવમાં થયેલા આ વધારાની અસર આગામી દિવસોમાં છૂટક બજારમાં પણ જોવા મળી શકે છે.

મુંબઈમાં ઓટો-ટેક્સી ભાડું મોંઘું

મુંબઈમાં આજથી ઓટો અને ટેક્સીમાં મુસાફરી કરવી પણ મોંઘી થઈ છે. 1 સપ્ટેમ્બરથી ઓટો રિક્ષાના ભાડામાં ₹1 અને ટેક્સીના ભાડામાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે. એટલે મુંબઈમાં દરરોજ ઓટો અથવા ટેક્સીનો ઉપયોગ કરતા મુસાફરોના માસિક ખર્ચમાં વધારો થઈ શકે છે.

ITR ફાઇલ કરવાની તારીખ ચૂકી ગયા છો?

આકારણી વર્ષ 2026-27 માટે વ્યવસાયો અને નોન-ઓડિટ કરદાતાઓની ITR ફાઇલ કરવાની નિયમિત અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 હતી. જો કોઈ કરદાતા આ સમયમર્યાદામાં ITR ફાઇલ કરી શક્યો નથી, તો હવે 1 સપ્ટેમ્બરથી કલમ 139(4) હેઠળ લેટ ફી સાથે વિલંબિત ITR ફાઇલ કરી શકાય છે.

ETFના નવા નિયમો 1 સપ્ટેમ્બરથી નહીં, 7 સપ્ટેમ્બરથી

ETF રોકાણકારો માટે પણ સપ્ટેમ્બરમાં મહત્વનો ફેરફાર થવાનો છે. અગાઉ સેબીએ ETF સંબંધિત બેઝ પ્રાઈસ, સર્કિટ લિમિટ, પ્રી-ઓપન કોલ ઓક્શન અને ક્લોઝ-આઉટ સંબંધિત નવા નિયમો 1 સપ્ટેમ્બર, 2026થી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, 28 ઓગસ્ટે સેબીએ આ તારીખ લંબાવીને 7 સપ્ટેમ્બર, 2026 કરી દીધી છે. એટલે ETFના નવા નિયમો આજે નહીં પરંતુ 7 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

સામાન્ય લોકોના ખિસ્સા પર કેવી અસર પડશે?

સપ્ટેમ્બરની શરૂઆતમાં થયેલા આ ફેરફારોમાંથી કેટલાક સીધી રીતે સામાન્ય લોકોના રોજિંદા ખર્ચ સાથે જોડાયેલા છે. કોમર્શિયલ LPG, કાર, મુંબઈમાં દૂધ અને ઓટો-ટેક્સીના ભાડામાં વધારો થયો છે, જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. બીજી તરફ ITR અને ETF સાથે જોડાયેલા ફેરફારો કરદાતાઓ અને રોકાણકારો માટે ખાસ મહત્વના છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img