કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી કરી છે.
કોણ છે ભાવેશ ઝીલિયા?
ભાવેશ ઝીલિયા ઉર્ફે ભાવેશ બળદેવ દેસાઈ કુખ્યાત આરોપી તરીકે ઓળખાય છે. તેની સામે હત્યાના પ્રયાસ, ખંડણી, અપહરણ અને ગુજસીટોક સહિત 20થી વધુ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં સામે આવ્યું છે. ભાવેશ ચાણસ્માના ઝીલિયા ગામનો રહેવાસી છે અને અમદાવાદમાં ‘મસ્તાની ગેંગ’ તરીકે ઓળખાતી ગેંગ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. સ્થાનિક સ્તરે તેની ગેંગને ‘મસ્તાની ગેંગ’ અને ‘ચોટી ગેંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વર્ષ 2016માં ભાવેશ ઝીલિયાએ પાટણના જાણીતા ડોક્ટરનું અપહરણ કર્યું હતું. આ કેસમાં તેની ધરપકડ થયા બાદ તે જેલમાં ગયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે અમદાવાદમાં મસ્તાની ગેંગ બનાવીને વસૂલાત અને ધમકી આપવાના કૃત્યો શરૂ કર્યા હોવાનો આરોપ છે.
ગત માર્ચ મહિનામાં ઝીલિયા ગામમાં મંદિરના ફાળાના વિવાદને લઈને હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભાવેશના ઘર અને પોલીસવાન પર પણ હુમલો થયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગૌચરની જમીન પર કબજો કરીને બનાવવામાં આવેલા તેના ગેરકાયદેસર આલીશાન ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
જમીન દલાલ પર જીવલેણ હુમલાનો પણ આરોપ
સરખેજ પોલીસે થોડા સમય પહેલાં ભાવેશ ઝીલિયાની ધરપકડ પણ કરી હતી. આરોપ છે કે જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ 25 ડિસેમ્બર 2025ના રોજ તેણે જમીન દલાલ મનોજ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો હતો. જૂની અદાવત અને વ્યાજના વિવાદને લઈને આ હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસનો આરોપ છે. ભાવેશ અને તેના સાગરીતોએ જમીન દલાલની ઓફિસમાં ઘૂસીને તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો.
મહેસાણા હાઈવે પર ભાવેશ ઝીલિયા પર ફાયરિંગ
રવિવારે રાત્રે મહેસાણા હાઈવે પર ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનર ગાડીને સ્કોર્પિયો ગાડીથી ત્રણ વખત ટક્કર મારવામાં આવી હતી. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ભાવેશના ડાબા હાથના પંજા પર ઈજા થઈ હતી.
ચાણસ્માના ઝીલિયા ગામનો 32 વર્ષીય ભાવેશ બળદેવભાઈ રબારી રવિવારે સાંજે મહેસાણા આવ્યો હતો. ત્યારબાદ તે નાગલપુરના તેના મિત્રો વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ રબારી અને કરણ બળદેવભાઈ રબારી સાથે હાઈવે પર ગયો હતો. પકવાન ડાઈનિંગ હોલ નીચે આવેલા માધવી પાર્લર પાસે ભાવેશે પોતાની ફોર્ચ્યુનર ગાડી ઊભી રાખી હતી. ભાવેશ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો, જ્યારે વિપુલ તેની બાજુમાં બેઠો હતો અને કરણ માધવી પાર્લરમાં ગયો હતો.
આ દરમિયાન રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી સફેદ સ્કોર્પિયો ગાડીમાં આવેલા શખ્સોએ ભાવેશની ફોર્ચ્યુનર ગાડીને ત્રણ વખત જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ આરોપીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ભાવેશની ગાડીમાંથી હથિયાર મળ્યું
ઘટના બાદ ભાવેશ અને તેના સાગરીતો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ભાવેશ અને વિપુલનો ગુનાહિત ઇતિહાસ હોવાના કારણે પોલીસે તેમની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર ગાડીની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીના આગળના ડેશબોર્ડની ડેકીમાંથી લાયસન્સ વગરની રિવોલ્વર અને છ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઉપરાંત ગાડીની વચ્ચેની સીટ નીચેથી આશરે 16 ઇંચની ફળ અને 10 ઇંચના હાથાવાળો છરો પણ મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં ભાવેશે આ રિવોલ્વર આશરે ચાર મહિના પહેલાં ગાંધીધામમાં રહેતા રામનારાણ ઉર્ફે રાકેશ શર્મા નાથાણી પાસેથી 40 હજાર રૂપિયામાં ખરીદી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર, રિવોલ્વર, કારતૂસ, છરો અને ત્રણ મોબાઇલ સહિત કુલ આશરે 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ત્રણેય સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસે હુમલાના છ આરોપીઓને ઝડપી લીધા
આ તરફ મહેસાણા હાઈવે પર થયેલા હુમલાના કેસમાં મહેસાણા LCB પોલીસે છ આરોપીઓને ઝડપી લીધા છે. જોકે, આ કેસનો મુખ્ય હેન્ડલર અને માસ્ટરમાઇન્ડ જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે.
મહેસાણાના DySP મિલાપ પટેલે જણાવ્યું હતું કે હુમલાની ઘટનામાં એક સફેદ સ્કોર્પિયો, એક કાળી સ્કોર્પિયો અને એક બલેનો કારનો ઉપયોગ થયો હતો. આ ત્રણેય ગાડીઓમાં 10થી 11 જેટલા લોકો ઘટનાને અંજામ આપવા પહોંચ્યા હતા. બલેનો કારનો ઉપયોગ રેકી કરવા માટે કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે ગાડીઓ હુમલા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.
પોલીસે યુવરાજસિંહ માંડલ, શક્તિસિંહ ઉર્ફે લાલો, આર્યન પટેલ, દિગ્વિજય ઉર્ફે દિગુભા, દેવેન્દ્ર ઝાલા અને યુવરાજસિંહ ઉર્ફે ગગુભા સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ પૈકી કેટલાક સામે અગાઉથી પણ ગુના નોંધાયેલા છે. આ સમગ્ર કાવતરાનો મુખ્ય હેન્ડલર જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા હોવાનું સામે આવ્યું છે, જેની સામે સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પ્રિપ્લાનિંગ સાથે હુમલો કરાયો હતો
DySP મિલાપ પટેલના જણાવ્યા પ્રમાણે આ હુમલો પૂર્વ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું અને ત્રણ અલગ-અલગ ગાડીઓનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. ઘટના બાદ તમામ આરોપીઓ અલગ-અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ વિસ્તારથી સારી રીતે પરિચિત હતા. તેમને કયા સ્થળે CCTV કેમેરા છે અને ક્યાં પોલીસનો બંદોબસ્ત રહે છે તેની જાણકારી હતી. તેથી પોલીસથી બચવા માટે તેમણે એ મુજબ રસ્તાઓનો ઉપયોગ કર્યો હતો.
DySP મિલાપ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ સમાજની લડાઈ નથી, પરંતુ બે લુખ્ખા ટોળકીઓ વચ્ચેની લડાઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે આવા લોકો જરૂર પડે ત્યારે એક થઈ જાય છે અને સમાજમાં દહેશત ઊભી કરવાનું કામ કરે છે.
હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી જોરાવરસિંહ ઉર્ફે ભાણુભાની ધરપકડ બાદ હુમલા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર કાવતરાની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલો હત્યાના પ્રયાસના ઇરાદે કરવામાં આવ્યો હતો.




