અમદાવાદમાં 12 લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની તપાસનો તાર વાંકાનેર સાથે જોડાયો; મહિલાની હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ
આરોપી ભુવાએ મહિલાની હત્યા કરી લાશ વાંકાનેર નજીક દાટી હોવાની આશંકા, અમદાવાદ સરખેજ પોલીસના વાંકાનેરમાં ધામા
ધર્મ અને આસ્થાના નામે લોકો પાસેથી પૈસા પડાવનારા ઘણા લોકો છે, પરંતુ પૈસા પડાવવાની સાથે છેતરપિંડી કરનારાઓ પણ લોહિયાળ રમત રમવામાં જરાય અચકાતા નથી. એક ભુવાએ તાંત્રિક વિધિના નામે લોકોને લલચાવીને મારી નાખવાનો ખેલ શરૂ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, આ વ્યક્તિએ પોતાની તાંત્રિક વિધિથી લોકોને આકર્ષવા માટે એક યુટ્યુબ ચેનલ પણ બનાવી હતી. જોકે આખરે આ હત્યારો ભુવો પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જોકે, હાલ તે ભુવાનું મોત થયું છે.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાની અમદાવાદની સરખેજ પોલીસે અનેક લોકોની હત્યાના ગુનામાં ગત તા. 03 ડિસેમ્બર રાત્રીના ધરપકડ કરી હતી. પોલીસે વઢવાણ લઈ જઈ પૈસા ડબલ કરવાની લાલચ આપનાર ભુવાને કારખાનેદારની હત્યાના કેસ મામલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ બાદ તેને ફરીથી અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જોકે, અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો થયો હતો, જેમાં ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં આવી રીતે 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
અમદાવાદના સરખેજ પોલીસ મથકે તાંત્રિક વિધિ કરી પૈસા પડાવતા 42 વર્ષીય તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાને પાંચ દિવસ પહેલાં પકડી લેવાયા બાદ પોલીસ સમક્ષ કબૂલાત દરમિયાન ભુવા નવલસિંહની તબિયત લથડી હતી. લોક-અપમાં તેને ઉલ્ટી થયા બાદ તે ઢળી પડ્યો હતો, અને તેનું મોત થયું હતું. પોલીસે દાવો કરતા જણાવ્યું હતું કે આરોપી નવલસિંહ ભુવાએ પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના પડધરીમાં, 3 પોતાના પરિવારમાંથી, 1 વાંકાનેરમાં અને અંજારના એક પૂજારી સહિત 12 લોકોની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
આ બાબતે સરખેજ પોલીસ મથકના પીઆઇ આર. કે. ધુલિયા સાથે વાત કરતા તેમણે બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી આચરતા આરોપી ભુવા નવલસિંહ ચાવડા દ્વારા એક ના ચાર કરી આપવાની લાલચે એક ફેક્ટરીના માલિક સાથે ષડયંત્ર રચ્યું હતું. ફેક્ટરીના માલિકને તાંત્રિક વિધિના નામે કથિત ઝેરી કેમિકલ યુક્ત પીણું પીવડાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપી ખુદને મહાણી મેલડી માતાનો ભૂવો કહેતો હતો. આરોપીએ તાંત્રિક વિધિના નામે ફેક્ટરીના માલિકને લૂંટી લીધો હતો અને બાદમાં તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગત 3 ડિસેમ્બરના રોજ સરખેજ પોલીસ સમયસર પહોંચી જતા ફેક્ટરીના માલિકને બચાવી લેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં રહેતા નવલસિંહ ભુવા દ્વારા તાંંત્રિક વિધિઓમાં એકના ચાર ગણા પૈસાની લાલચ આપી લોકોને ભોળવી અને તેમને વિધિના નામે દારૂ કે પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવી અને મોતને ઘાટ ઉતારતો હતો અને ત્યારબાદ તેઓના ઘરેણા, પૈસા લૂંટી અને ફરાર થઈ જતો હતો. આરોપીએ સોડિયમ નાઈટ્રેટ સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરી માંથી ખરીદતો હોવાની પણ કબુલાત કરી હતી.
આ બનાવમાં ચક્રવાત ન્યુઝને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં 12 લોકોની હત્યાના બનાવમાં ઝડપાયેલ સિરિયલ કિલર દ્વારા કરાયેલ એક હત્યાના બનાવના તાર વાંકાનેર સાથે જોડાયા છે, જેમાં આરોપીએ આવી જ રીતે એક મહિલાની હત્યા કરી તેની લાશના ટુકડાં કરી વાંકાનેર નજીક દાટી દીધી હોવાની આરોપીની કેફિયતના આધારે અમદાવાદની સરખેજ પોલીસે વાંકાનેરમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં હાલ પોલીસ દ્વારા બનાવ સાથે જોડાયેલ એક મહિલા અને યુવાન સાથે રાખી તપાસ શરૂ કરી હોય, જેમાં પોલીસ તપાસ પુર્ણ થયા બાદ સમગ્ર બનાવની વિગતો પ્રકાશમાં આવી શકે છે.