APK ફાઈલ ખોલતા પહેલાં ચેતી જજો! મોરબીમાં ખેડુત સાથે 2.25 લાખની ઠગાઇ
જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચાર જો! કેમકે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો રસ્તો અપનાવ્યો છે જેમાં ફાઈલ ઓપન કરતા જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે આવો જ કિસ્સો મોરબીમાં પણ સામે આવ્યો છે જેમાં મોરબીના ખેડૂતના વોટ્સએપ નંબર પર આર.ટી.ઓ ચલણ APK ફાઈલ નો મેસજ કરી ખેડૂતોના ખાતામાંથી રૂપિયા ૨,૨૫,૫૯૬ ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હોવાની અજાણ્યા સાત શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ આનંદ વિહાર શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને ખેતી કરતા પરેશભાઈ માવજીભાઈ વિરપરીયા (ઉ.વ.૪૨) એ આરોપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ ધારક તથા વોટ્સેપ નંબર ધારક મળી કુલ સાત અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરયાદીના વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા ફરીયાદી એ આ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ ફરીયાદીનો મોબાઇલ હેક કરીને ફરીયાદીના HDFC બેન્ક એકાઉન્ટમાથી કુલ રૂ.૨,૨૫,૫૯૭/- ટ્રાંસફર કરી કરાવી મેળવી લઇ ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.