હળવદના ચરાડવા ગામે વ્યાજખોરોએ યુવક પાસેથી કોરા ચેક પડાવી કરી પઠાણી ઉઘરાણી
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવકને વેપાર ધંધા માટે પૈસાની જરૂર પડતા આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય તે વ્યાજની આરોપીઓએ કડક ઉઘરાણી કરી યુવક પાસેથી બેન્કના કોરા ચેક પડાવી ધામકીઓ આપી માનસિક ત્રાસ પહોંચાડી પઠાણી ઉઘરાણી કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને વેપાર કરતા કાળુભાઈ ઉર્ફે નાગજીભાઈ રૈયાભાઈ ગમારા (ઉ.વ.૨૫) એ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઇ રાજેશભાઇ ઉર્ફે ચંદુભાઇ પઢીયાર ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઇ મહેશભાઇ ગોસ્વામી, દિપકભાઇ જગદીશભાઇ બાવાજી રહે- બધા ચરાડવા ગામ તા-હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આજથી આશરે એકાદ વર્ષ પહેલા ફરીયાદીને પોતાના ધંધામાં ખોટ આવતા રૂપીયાની જરૂર પડતા આ આરોપીઓ પાસેથી અલગ અલગ તારીખે તથા અલગ અલગ ઉચા વ્યાજના દરે કુલ રૂ-૧૫,૩૦,૦૦૦ લીધેલ હોય તેના વ્યાજની કડક ઉઘરાણી કરી આરોપી જયરાજભાઈએ ફરીયાદીના SBI બેન્કના સહીવાળા કોરા ચેક બેંક સિક્યુરીટી પેટે બળજબરથી કઢાવી લઇ પાંચેય આરોપીઓએ કોઇ રજીસ્ટ્રેશન કે લાયસન્સ વગર ઉચા વ્યાજે નાણા ધીરી વ્યાજની કડક ઉઘરાણી કરી ધાક ધમકી આપી માનસીક ત્રાસ પહોંચાડી ઘર છોડવા મજબુર કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૮(૨),૩૫૧(૨),૫૪ તથા ધી ગુજરાત મનીલેડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૪૦,૪૨(ક) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.