મોરબી સિવિલમાં ફેફસાંના નિષ્ણાત ડૉકટરની નિમણૂક તથા ચેસ્ટ -ટીબી ઓપીડીની ગંભીર અનિયમિતતાઓ અંગે સિવિલ અધિક્ષકને રજૂઆત
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફેફસાંના નિષ્ણાત ડૉકટરની નિમણૂક તથા છાતી-ક્ષયરોગ (ચેસ્ટ ટીબી) ઓપીડીમા છેલ્લા ઘણા સમયથી ડૉકટર નિયમિત હાજર રહેતા ન હોય જે બાબતે સીલીકોસીસ પીડીત સંઘ મોરબી દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકને લેખિત રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સીલિકોસીસ જેવી ગંભીર અને જીવલેણ બીમારીથી હાલમાં ૫૦થી વધુ દર્દીઓ પીડિત જીવન વિતાવી રહ્યા છે. આ દર્દીઓ વારંવાર સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવતાં રહે છે. આ ઉપરાંત, મોરબી વિસ્તારમાં લાખો કામદારો એવા ઉદ્યોગોમાં કાર્યરત છે જ્યાં સીલિકોસીસ થવાનું મોટું જોખમ રહેલું છે.
આવી પરિસ્થિતિમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ફેફસાંના નિષ્ણાત ડૉકટરની ઉપલબ્ધિ અતિ આવશ્યક છે. આ બાબતે સીલિકોસીસ પીડિત સંઘ દ્વારા છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી જાહેર હિતને ધ્યાનમાં લઈ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં આજદિન સુધી કોઈ નક્કર પરીણામ દેખાતું નથી.
વધુમાં જણાવવાનું કે સિવિલ હોસ્પિટલની ૨૦ નંબરની છાતી-ક્ષયરોગ (ચેસ્ટ ટીબી) ઓપીડીમાં છેલ્લા ઘણા સમયથી ડૉકટર નિયમિત હાજર રહેતા નથી. ફક્ત ઇન્ટર્ન ડૉકટરો હાજર રહેતા હોય છે. તે કારણે દર્દીઓને ૯ નંબરની ઓપીડીમાં મોકલી આપવામાં આવે છે. પરિણામે બંને ઓપીડીના દર્દીઓ એક જ ઓપીડીમાં ભેગા થતાં ભારે ભીડ સર્જાય છે અને દર્દીઓને ગંભીર હાલાકીનો સામનો કરવો પડે છે.
સ્વાસ્થ્ય એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. સીલિકોસીસ પીડિતો તેમજ તમામ નાગરિકોને યોગ્ય, સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળે તે હેતુસર નીચે મુજબની માગણીઓ કરવામાં આવી છે
૧. હજારો કામદારો, સીલિકોસીસ પીડિતો તથા સામાન્ય નાગરિકોના જાહેર હિતને ધ્યાનમાં લઇ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ફેફસાંના નિષ્ણાત ડૉકટરની નિમણૂક કરવામાં આવે. સરકારની મુખ્યમંત્રી સેતુ યોજના અંતર્ગત ફેફસાંના નિષ્ણાત ડૉકટર ઉપલબ્ધ કરાવવામાં આવે.
૨. સીલિકોસીસ પીડિતો તથા સામાન્ય નાગરિકોને તમામ પ્રાથમિક અને આવશ્યક સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ દવાઓ તથા સારવાર સંબંધિત સુવિધાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે.
૩. ૨૦ નંબરની ઓપીડીમાં નિયમિત ડૉકટર હાજર ન રહેતા હોવાની બાબતે સીસીટીવી કેમેરાની તપાસ કરીને જે-તે ડૉકટરો ઓપીડી સમય દરમિયાન ગેરહાજર રહ્યા હોય તેમના વિરુદ્ધ યોગ્ય શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે.
૪. જાહેર હિતને ધ્યાનમાં લઈ દરેક ડૉકટર પોતાની ઓપીડીમાં પોતાના નામ સાથેની ઓળખ પાટીયું (નેમ પ્લેટ) લગાવે તે સુનિશ્ચિત કરવામાં આવે. કારણ કે કેટલીક વખત ખાનગી હોસ્પિટલ ધરાવતા ડૉક્ટરો ઓપીડીમાં હાજર ન રહી ઇન્ટર્ન ડૉકટરને બેસાડી દેતા હોવાના કારણે જાહેર આરોગ્ય વ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચે છે.
૫. દરેક ઓપીડી બહાર સંબંધિત ડૉકટરના નામ તથા આવવા-જવાના સમય સાથેનું સ્પષ્ટ સમયપત્રક લગાડવામાં આવે, જેથી પારદર્શકતા જળવાઈ રહે અને દર્દીઓને અનાવશ્યક પરેશાની ન થાય.