પાંચ ઝોનમાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ શરૂ કરવા અરજી કરી શકાશે
મોરબીની ઈચ્છુક સરકારી તથા ખાનગી કોલેજીસ કે સંસ્થાઓએ ૩૦ મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં ૫ (ઝોનમાં ૫ ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૫ થી તા.30/૦૫/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ અંગેની ઓનલાઈન અરજી sportsauthority.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે. જયારે ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ’ પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ધારા-ધોરણો મુજબ કરવામાં આવશે.
રાજ્યની હયાત યુનિવર્સિટી/યુનિવર્સિટીની માન્યતા ધરાવતી કોલેજની જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ તરીકે વિચારણા કરી શકાશે. UGC સાથે સંલગ્ન યુનિવર્સિટી અથવા યુનિવર્સિટી સંલગ્ન અનુદાનિત, બિન અનુદાનિત કે સ્વ-નિર્ભર કોલેજનો સમાવશે કરી શકાશે. રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૫ એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સિટી/ કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે. ઓછામાં ઓછા ર00 વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર.