સંજયનાં પિતા અને માતા મજુરી કામ કરી ગુજરાન ચલાવે;બાળ સુરક્ષા એકમનાં પ્રયાસથી આધાર કાર્ડ, રાશન કાર્ડ બન્યાં
રૂપિયા ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ તેના બેંકના ખાતામાં જમા કરવામાં આવી ; માતા-પિતાએ સરકારનો આભાર માન્યો
શિક્ષણ એ ભૌતિક જીવન માટે ખૂબ જ મહત્વનું છે. શિક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા પર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ સફળ થઈ રહ્યો છે. આ ઇવેન્ટને સફળ બનાવવા સરકારી અધિકારીઓ, શિક્ષકો, માતાપિતાની સક્રીય ભાગીદારી સામેલ છે. રેલીઓ, ડોર ટુ ડોર ઝુંબેશ અને શેરી નાટકો દ્વારા આ કાર્યક્રમો દૂરના અંતરિયાળ વિસ્તારો અને રાજ્યના છેવાડાના વિસ્તારો અને ત્યાં વસતાં જનસમુદાયો સુધી શિક્ષણનો સંદેશ ફેલાવે છે.
મોરબીમાં અરુણોદય મિલ સામે વેજીટેબલ રોડ પર નળિયાંવાળા કાચા મકાનમાં વસવાટ કરતા સંજય ધનજીભાઈ ચૌહાણનો અભ્યાસ કોરોના કાળમાં ઘરની નબળી પરિસ્થિતિને કારણે ધોરણ ૮ માં છૂટી ગયો હતો. ૩ ભાઈ અને ૨ બહેન થઈ કુલ સાત વ્યક્તિનો પરિવાર તેમના પિતા ધનજીભાઈ અને માતા પાંચુંબેન કડિયા કામની મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. રાજ્ય સરકાર કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ મેળવતા વચ્ચેથી શિક્ષણ છોડી ન દે તેવા ધ્યેય સાથે ઉમદા કાર્ય કરી રહી છે. વિપરીત પરિસ્થિતિને કારણે કોઈ બાળક શિક્ષણ છોડી દીધું હોય તેવા બાળકોને શોધી અને શિક્ષણના માર્ગે વાળવાનું કામ કરી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં બાળ સુરક્ષા એકમ આવા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને હુંફ આપી રહી છે. બાળ સુરક્ષા એકમ દ્વારા સંજય અને તેના પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ફરીથી સંજયને ઉત્સાહપૂર્વક અભ્યાસના માર્ગે જોડવામાં આવ્યો.
મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ શેરશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સંજયના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સંપર્ક કરી NIOS-national institute of open schooling માં ૧૦ માં ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. સાથે રૂ. ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ તેના બેંકના ખાતામાં જમા કરવામાં આવી હતી. સંજય તેમજ તેના માતા- પિતાને આધારકાર્ડ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. સાથે સંજયના માતા-પિતા ધનજીભાઈ અને પાંચુબેનને આવકનો દાખલો, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, શ્રમ કાર્ડ વગેરે યોજનાઓના લાભ મેળવવા માર્ગદર્શન આપી જરૂરી કાર્યવાહી કરાવી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે સમગ્ર પરિવારનું હેલ્થ સ્ક્રિનિંગ કરી અને આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ પણ પરિવારને આપેલ છે.
